નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી અને મહાન ઓલરાઉન્ડર જેક કાલિસ પિતા બની ગયો છે. તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, જેક કાલિસે રિટાયરમેન્ટ બાદ પોતાની પ્રેમિકા ચાર્લેન એન્ગેલ્સ સાથે જાન્યુઆરી 2019માં લગ્ન કરી લીધા હતા.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ જેક કાલિસ પોતાની પત્ની ચાર્લેન એન્ગેલ્સ સાથે સમય વિતાવી રહ્યો છે. હાલ આ કપલે પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે, અને જેક કાલિસે હૉસ્પીટલમાં પોતાની પત્ની અને બાળકની તસવીર પણ શેર કરી છે.



જેક કાલિસની પત્ની ચાર્લેન એન્ગેલ્સે 11મી માર્ચે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. તસવીર શેર કરતાં જેક કાલિસે લખ્યું કે, દુનિયામાં તારુ સ્વાગત છે જોશુઆ હેનરી કાલિસ. અમારા જીવનનો અવિશ્વસનીય દિવસ. તારો આભાર ચાર્લેન એન્ગેલ્સ.


જેક કાલિસની કેરિયર વિશે વાત કરીએ તો, કાલિસે તેના દેશ માટે 166 ટેસ્ટ મેચમાં 13,289 રન અને 292 વિકેટ ઝડપી છે, અને 328 વનડે મેચમાં 11,579 રન અને 273 વિકેટ મેળવી છે. ઉપરાંત 25 ટી-20 મેચમાં 666 રન અને 12 વિકેટો પણ પોતાના નામે કરી છે. કાલિસે ટેસ્ટ મેચમાં કુલ 45 સદી ફટકારી છે.