Danushka Gunathilaka : ઓસ્ટ્રેલિયામાં યૌન શોષણના આરોપમાં શ્રીલંકન ક્રિકેટર ધનુષ્કા ગુનાથિલકાની પોલીસે હોટલમાંથી જે રીતે ધરપકડ કરી તે પછી શ્રીલંકન ક્રિકેટ બોર્ડે મોટું પગલું ભર્યું છે. શ્રીલંકા ક્રિકેટે ધનુષ્કાને સસ્પેન્ડ કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટની એક્ઝિક્યુટિવ કમિટીએ ધનુષ્કા ગુનાતિલકાને તમામ પ્રકારના ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તેને હવે ટીમમાં પસંદગીના વિકલ્પ તરીકે જોવામાં આવશે નહીં.
શ્રીલંકન બોર્ડે નિવેદન બહાર પાડીને કહી આ વાત
આ સંબંધમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા ક્રિકેટ પોતે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને આરોપોની તપાસ માટે જરૂરી પગલાં લેશે. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ મામલાના નિર્ણય બાદ જો ખેલાડી દોષી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ જણાવવા માંગે છે કે અમારી પાસે આવા વર્તન માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. આ મામલે ઓસ્ટ્રેલિયન કાનૂની એજન્સીને જે પણ મદદની જરૂર પડશે તે અમે પૂરી પાડીશું, જેથી આ બાબતની નિષ્પક્ષ તપાસ થઈ શકે.
ગુનાતિલકા ડેટિંગ એપથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો
31 વર્ષીય ગુણાતિલકાની 2 નવેમ્બરે એક મહિલાના કથિત જાતીય શોષણની તપાસ બાદ રવિવારે વહેલી સવારે સિડનીની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે શ્રીલંકાની ટીમ દેશમાં પરત ફરવાની તૈયારી કરી રહી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ગુનાતિલકા અને પીડિત મહિલા એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ધનુષ્કા પર 2 નવેમ્બરે પીડિત મહિલા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે.
વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચ રમી શક્યો
શ્રીલંકાની ટીમે તેના ગ્રુપ-12માં પાંચ મેચ રમી હતી જેમાં માત્ર બેમાં જ જીત થઈ હતી. આ રીતે ટીમ 4 પોઈન્ટ સાથે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમે તેની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેનો 4 વિકેટે પરાજય થયો હતો. બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલ દાનુષ્કા આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ રમ્યો હતો. આ મેચ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં નામીબિયા સામે થઈ હતી. દાનુષ્કા આ મેચમાં સારી બેટિંગ કરી શક્યો નહોતો અને શૂન્યમાં જ આઉટ થયો હતો. આ મેચમાં નામિબિયાએ શ્રીલંકાને 55 રનથી હરાવ્યું હતું.