કોલંબોઃ પાકિસ્તાન પ્રવાસ પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી બૉલર સુરંગા લકમલ પાકિસ્તાની સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. સીરીઝમાંથી બહાર થવાનું કારણ તેને ડેન્ગ્યૂ થયુ હોવાનુ બહાર આવ્યુ છે.


રિપોર્ટ છે કે સુરંગા લકમલની જગ્યાએ શ્રીલંકન ટીમમાં આશિથા ફર્નાન્ડોને સામેલ કરવામાં આવ્યો છે. ફર્નાન્ડો પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા શ્રીલંકન ટીમ સાથે જોડાઇ જશે.



ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરીઝ રમાઇ રહી છે, અને આ સીરીઝમાં શ્રીલંકન ટીમમાં સુરંગા લકમલને સામેલ કરવામાં આવ્યો હતો. 59 ટેસ્ટ રમી ચૂકેલા લકમલને ડેન્ગ્યૂ થયુ હોવાથી રવિવારે પાકિસ્તાન રવાના થયેલી ટીમ સાથે જોડાયો ન હતો.



શ્રીલંકન ટીમને પાકિસ્તાન પ્રવાસમાં બે ટેસ્ટ મેચો રમાવાની છે. પ્રથમ ટેસ્ટ 11 ડિેસેમ્બરે રાવલપિંડીમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 19 ડિસેમ્બરે કરાંચીમાં રમાવવાની છે.