Sanath Jayasuriya in Gujarat: શ્રીલંકામાં રાજકીય અને આર્થિક કટોકટી સર્જાયા બાદ હાલ દેશનું અર્થતંત્ર ખુબ નબળું પડી ગયું છે. શ્રીલંકાની છબી હાલ વિશ્વ સ્તરે ઘણી ખરડાઈ છે. ત્યાર આ છબીને સુધારવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે હેતુથી શ્રીલંકાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસુર્યા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન જયસૂર્યાએ પોતાના દેશની સ્થિતિ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી અને પ્રવાસ ઉદ્યોગને વેગ મળે તે માટે થઈ રહેલા પ્રયત્ને અંગે માહિતી આપી હતી.
શ્રીલંકા વિશ્વના પ્રવાસીઓને આવકારવા માટે આતુરઃ જયસૂર્યા
શ્રીલંકાના ટુરિઝમને પાટા પર લાવવા માટે ગુજરાતની મુલાકાતે આવેલા સનથ જયસૂર્યાએ શ્રીલંકાની રાજકીય સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે, "જે રાજકીય કટોકટી સર્જાઈ તે વાવાઝોડા સમાન હતી અને હાલ સ્થિતિ થાળે પડી છે. હું પણ એક નાગરિક તરીકે મારા દેશને મદદરુપ થવા ઈચ્છું છું અને તેથી ટુરિઝમ વિભાગ સાથે જોડાયો છું અને બ્રાન્ડ એમ્બેસેડરની સેવા આપી રહ્યો છું. હાલ શ્રીલંકા વિશ્વના પ્રવાસીઓને આવકારવા માટે આતુર છે."
અમે ભારતના ખુબ જ આભારીઃ સનથ જયસૂર્યા
સનથ જયસુર્યાએ વધુમાં કહ્યું કે, "હાલ હું વિશેષ રુપે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને પ્રમોટ કરી રહ્યો છું. છેલ્લા ત્રણ મહિના શ્રીલંકા માટે ખુબ જ ખરાબ રહ્યા હતા પરંતુ હાલ સ્થિતિ થાળે પડી છે. અત્યારે અમે ટુરિઝમ પ્રમોટિંગ કાર્યક્રમ ગુજરાતમાં કરી રહ્યા છીએ. અમે અહી રોડ શો પણ કરીશું. એક પાડોશી તરીકે ભારતે શ્રીલંકાની ખરાબ સ્થિતિ સમયે ઘણી મદદ પણ કરી છે. અમે ભારતના ખુબ જ આભારી છીએ."