મુંબઈ: દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સના સૌથી અનુભવી ખેલાડી સુરેશ રૈનાએ બાલ્કનીવાળો રૂમ નહીં મળતાં ઝગડો કરીને દુબઈથી પાછા ફરવાનો નિર્ણય લીધો છે.


રૈનાના નિવેદનથી ભડકેલા ટીમના માલિક એન. શ્રીનિવાસને કહ્યું છે કે, સફળતા તેના માથા પર ચઢી ગઈ છે. ગુજરાતીમાં કહીએ તો શ્રીનિવાસને કહ્યું છે કે, રૈનાને બહુ ચરબી ચડી ગઈ છે. શ્રીનિવાસને એમ પણ કહ્યું કે, મને લાગે છે કે, તે પાછો ફરશે કેમ કે હજુ સીઝન શરૂ થઈ નથી અને તેને અહેસાસ થશે તે શું છોડીને ગયો છે. તેને 11 કરોડ રૂપિયાનો તોતિંગ પગાર બીજે ક્યાંય નહીં મળે.

શ્રીનિવાસને એક ટોચના મેગેઝિનની વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હો તો પરત જતા રહો. કોઈને કંઈ બોલવાની જરૂર નથી. ક્યારેક સફળતા તમારા માથે ચઢી જાય છે.