નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થઇ રહી છે. ત્યારે આઈપીએલ (IPL)માં  ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેનને સ્થાન મળ્યું છે.ડેવિડ વોર્નરની આગેવાનીવાળી સનરાઈઝર્સ  હૈદરાબાદની ટીમમાં ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) જગ્યાએ જેસન રૉય (Jason Roy)ને સામેલ કરવામાં આવ્યો છે. હૈદરાબાદે રોયને 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં પોતાની ટીમમાં સામલ કર્યો છે. 


ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ (Mitchell Marsh) આઈપીએલ (IPL 2021)માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, માર્શે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)અને ફ્રેન્ચાઈજીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી.  રિપોર્ટ અનુસાર માર્શ લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવા માંગતો નહોતો. જેના કારણે તેણે આઈપીએલ રમવાનો ઈનકાર કરી દીધો છે.  કોવિડ-19 પ્રોટોકલ અનુસાર, માર્શે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું. 



જેસોન રૉયે (Jason Roy) તાજેતરમાં જ  ભારત વિરુધ સમાપ્ત થયેલી શ્રેણીમાં શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ભારત સામેની ટી -20 સિરીઝમાં તેણે 5 મેચમાં 144 રન બનાવ્યા હતા. જ્યારે  ત્રણ વનડેમાં તેણે 115 રન  બનાવ્યા હતા. 




રોયે 2017 માં ગુજરાત લાયન્સની ટીમ સાથે આઈપીએલની શરૂઆત કરી હતી. 2018 માં તે દિલ્હી ડેરડેવિલ્સ (દિલ્હી કેપિટલ્સ) ટીમનો ભાગ હતો. કુલ મળીને રોયે અત્યાર સુધીમાં 8 આઈપીએલ મેચ રમી છે જેમાં તેણે 91 * નો શ્રેષ્ઠ સ્કોર સાથે 179 રન બનાવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ  હૈદરાબાદે ચેન્નઈમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. હૈદરાબાદનો પ્રથમ મુકાબલો 11 એપ્રિલે એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)સામે છે.  


સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ :


 ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, જોની બેરસ્ટો, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, રિદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અભિષેક શર્મા, અબ્દુલ સમાદ, વિરાટ સિંહ, જેસન રોય, જેસન હોલ્ડર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, શાહબાઝ નદીમ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, બેસિલ થામ્પી, જગદીશ સુચિત, કેદાર જાધવ, મુજબીર ઉર રહેમાન