ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 માં પ્રવેશ કર્યો છે. હવે આ રાઉન્ડમાં ટીમનો પ્રથમ મુકાબલો 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે થશે. પરંતુ આ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આઇસીસી વર્લ્ડ ટી-20 રેન્કિંગ નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હાથમાં ઇજા પહોંચી હતી.  આ પછી તરત જ ફિઝિયોએ સૂર્યકુમારને સારવાર આપી હતી.






આ દરમિયાન સૂર્યકુમાર ખૂબ જ પીડા અનુભવતો જોવા મળ્યો હતો. ફિઝિયોએ સૂર્યકુમારને તાત્કાલિક સારવાર આપી હતી. જોકે આ દરમિયાન એક સારી વાત એ હતી કે સૂર્યકુમારની ઈજા બહુ ગંભીર નહોતી. પેઇનકિલર સ્પ્રે પછી, સૂર્યકુમારે ફરી બેટિંગ કરી હતી.


જ્યારે સૂર્યા ઘાયલ થયો ત્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ ટેન્શનમાં જોવા મળ્યા હતા. તેઓ સૂર્યા પાસે ગયા હતા અને સૂર્યકુમાર અને ફિઝિયો બંને સાથે વાત કરી હતી. નોંધનીય છે કે 17 જૂને ભારતીય ટીમની ઓપ્શનલ ટ્રેનિંગ હતી. પરંતુ આમાં પણ તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો.


સૂર્યકુમારે અમેરિકા સામે ફિફ્ટી ફટકારી હતી


આ દરમિયાન ખેલાડીઓએ માત્ર થ્રોડાઉનનો જ નહીં પરંતુ મુખ્ય બોલરોનો પણ સામનો કર્યો હતો. રાહુલ દ્રવિડ અને બાકીના કોચિંગ સ્ટાફે પણ થ્રોડાઉન કરીને ખેલાડીઓને પ્રેક્ટિસ કરાવી હતી. વાસ્તવમાં સૂર્યા આગામી મેચોમાં ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થવાનો છે.


અમેરિકા સામેના પ્રથમ રાઉન્ડની મેચમાં તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ ફિફ્ટી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત બાદ ભારતીય ટીમે સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. જોકે, આયરલેન્ડ અને પાકિસ્તાન સામેની અગાઉની મેચોમાં સૂર્યકુમાર સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.


ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજ


રિઝર્વ ખેલાડીઓઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન