T20 Cricket Records: ભારતમાં અત્યારે વનડે વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ફૂલ ફોર્મમાં દેખાઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ક્રિકેટની દુનિયામાં ફેન્સ ચોંકી રહ્યાં છે. ખરેખરમાં વિરાટનો એક મોટો રેકોર્ડ એક મહિલા ક્રિકેટરના હાથે તુટ્યો છે.


ICC વનડે વર્લ્ડકપ 2023માં રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં ત્રણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલી ફરી એકવાર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો એક મોટો રેકોર્ડ 15 ઓક્ટોબરે તૂટી ગયો. કોહલીનો આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમની અનુભવી બેટ્સમેન સૂઝી બેટ્સે તોડ્યો છે. હવે તે T20 ઇન્ટરનેશનલમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી સૂઝી બેટ્સ બની ગઇ છે.


સૂઝી બેટ્સે ટી20 ઇન્ટરનેશનલમાં બનાવ્યા 4000થી વધુ રન - 
દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20 સીરીઝ રમાઈ રહી હતી. તેની છેલ્લી મેચમાં આફ્રિકાની ટીમે ન્યૂઝીલેન્ડને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સૂઝી બેટ્સે કીવી ટીમ માટે 45 રનની ઓપનિંગ ઇનિંગ રમી અને T20 ઇન્ટરનેશનલમાં તેના 4 હજાર રનનો આંકડો પાર કર્યો. જોકે, તે પોતાની ટીમને આ મેચ જીતાડવામાં સફળ રહી શકી ના હતી. કિવી ટીમને 11 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સીરીઝ 1-1થી ડ્રૉમાં સમાપ્ત થઈ હતી કારણ કે 3 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.


સૂઝી બેટ્સની ટી20 કેરિયર - 
સૂઝી બેટ્સે હવે T20 ઈન્ટરનેશનલમાં 149 મેચોની 146 ઈનિંગ્સમાં બેટિંગ કરતા 29.78ની એવરેજથી 4021 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 26 અડધી સદીની ઇનિંગ્સ તેના નામે નોંધાયેલી છે. T20 ઇન્ટરનેશનલમાં બેટ્સનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર અણનમ 124 રન છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 107 T20 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 52.73ની એવરેજથી 4008 રન બનાવ્યા છે.


વિરાટે કોહલીએ ગયા વર્ષે રમી હતી છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 
ભારતીય ટીમના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ ગયા વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારથી તે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે. આવી સ્થિતિમાં 2024માં યોજાનાર ટી20 વર્લ્ડકપમાં તેના રમવા પર શંકા છે.