India vs England: આજે ટી20 વર્લ્ડકપ 2022ની બીજી સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, ભારત અને ઇંગ્લેન્ડ ફાઇનલમાં જવા માટે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યાં છે, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક ખેલાડીઓ એવા છે જેના પર તમામની નજર રહેશે, અમે અહીં ભારતીય ટીમના ત્રણ એવા ખેલાડીઓની વાત કરી રહ્યાં છીએ જેના પર ઇંગ્લિશ ટીમની નજર ચોંટેલી છે. કેમ કે આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022માં શું છે તેમનુ પ્રદર્શન....
આજની મેચ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડમાં બપોર 1.30 વાગ્યાથી શરૂ થઇ રહી છે, આ મેચમાં ટીમ ઇન્ડિયાના રન મશીન વિરાટ કોહલી, ટી20 નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, અને યુવા બૉલર અર્શદીપ સિંહ પર ઇંગ્લિશ ટીમની નજર છે, આ ત્રણેય ખેલાડીઓ પર ટીમ ઇન્ડિયાની જીતનો મદાર રહેલો છે.
વિરાટ કોહલી -
ટી20 વર્લ્ડકપમાં કોહલીએ અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યુ છે, તેને 5 મેચોમાં સૌથી વધુ 246 રન ફટકાર્યા છે. કોહલીએ 123ની એવરેજ સાથે બનાવ્યા છે, જ્યારે તેની સ્ટ્રાઇક રેટ પણ લગભગ 140ની રહી છે. તેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે.
સૂર્યકુમાર યાદવ -
ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવે ધમાલ મચાવી દીધી છે. તેને 5 મેચોમાં 3 ફિફ્ટી ફટકારી દીધી છે, તેને અત્યાર સુધી 225 રન બનાવી લીધા છે, આ દરમિયાન તેની એવરેજ 75 થી વધુની રહી છે. વળી, તેની સ્ટ્રાઇક રેટ આ વર્લ્ડકપમાં 193થી પણ વધારે છે.
અર્શદીપ સિંહ -
ભારતીય ટીમના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહએ આ ટી20 વર્લ્ડકપમાં કમાલનુ પ્રદર્શન કર્યુ છે, તેને અત્યાર સુધી 5 મેચોમાં 10 વિકેટો ઝડપી છે, ખાસ કરીને શરૂઆત સ્પેલમાં અર્શદીપ સિંહ વિકેટો લેવામાં સફળ રહ્યો છે. જો ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ તે પોતાનુ આ ફોર્મ યથાવત રાખશે તો ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઇ જશે.
ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માનો ગેમ પ્લાન -
ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્માએ કહ્યું કે અમે જાણીએ છીએ કે T20 ક્રિકેટ કેવી રીતે રમાય છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે મેચના દિવસે કેવી રીતે રમો છો. આ ફોર્મેટમાં મેચ જીતવા માટે તમારે વધુ સારું ક્રિકેટ રમવું પડશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે. રોહિત શર્માએ કહ્યું કે, ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, અમારા ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કોઈ ખોટ નથી, પરંતુ એમાં કોઈ શંકા નથી કે ઇગ્લેન્ડ જેવી ટીમ સામે મેદાન પર સો ટકા આપવું પડશે. મને ખાતરી છે કે અમારી ટીમ આ કરી શકશે. ભારતીય કેપ્ટને કહ્યું કે અમે ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલ મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.