Ind vs Pak T20 WC: ICC T20 વર્લ્ડ કપ 2021ની સુપર-12  મુકાબલા આજથી શરૂ થશે. આ તબક્કાની પ્રથમ મેચ આજે બપોરે અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં  ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (AUS vs SA) વચ્ચે રમાશે. T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે, આ હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમામ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતની ટી-20 વર્લ્ડકપમાં કેવી રહી છે સફર તેના પર એક નજર


૨૦૦૭ : ધોનીની કેપ્ટનશિપમાં વિજેતા


ભારતે ૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા સૌપ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપમાં યાદગાર વિજય મેળવતા ઈતિહાસ રચી દીધો હતો. આ વર્લ્ડ કપથી જ ધોનીની કેપ્ટન્સીનો ઉદય થયો હતો. પાકિસ્તાન સામેની ફાઈનલમાં ભારતે ગંભીરના ૫૪ બોલમાં ૭૫ અને રોહિતના ૧૬ બોલમાં અણનમ ૩૦ની મદદથી ૫ વિકેટે ૧૫૭ રન કર્યા હતા. ઉમર ગુલે ૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં પાકિસ્તાન મિસ્બાહના ૪૩ છતાં ૧૯.૩ ઓવરમાં ૧૫૨માં ખખડી ગયું હતુ. પાકિસ્તાનને આખરી ઓવરમાં જીતવા ૧૩ રનની જરુર હતી અને તેમની ૧ જ વિકેટ સલામત હતી. ત્યારે ધોનીએ જોગીન્દર શર્માને બોલિંગ સોંપી હતી. તેણે પહેલા વાઈડ બાદ બીજો ડોટ બોલ નાંખ્યો હતો. ત્રીજા બોલ પર મિસબાહે સિક્સર ફટકારી હતી. જોકે ચોથા બોલ પર તે છગ્ગો ફટકારવાના પ્રયાસમાં શ્રીસંતના હાથે કેચઆઉટ થતાં ભારતનો યાદગાર વિજય થયો હતો. ૧૬ રનમાં ૩ વિકેટ ઝડપનારો ઈરફાન પઠાણ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.


૨૦૦૯ : સુપર-૮માં ત્રણેય મેચ હારીને બહાર


ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલા ભારતે ગૂ્રપ સ્ટેજમાં આયર્લેન્ડ-બાંગ્લાદેશને હરાવ્યું હતુ. જોકે સુપર-એઈટમાં ભારત વિન્ડિઝ સામે ૭ વિકેટથી, ઈંગ્લેન્ડ સામે ત્રણ રનથી અને સાઉથ આફ્રિકા સામે ૧૨ રનથી હાર્યું હતુ. આ સાથે ભારત બહાર ફેંકાયું હતુ. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાને ૮ વિકેટથી હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતુ.


૨૦૧૦ : ફરી સુપર-૮માં ત્રણેય મેચ હારતાં બહાર


એક વર્ષ બાદ જ યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો અને ટીમ ઈન્ડિયા ફરી સુપર-૮માં ત્રણેય મેચ હારીને બહાર ફેંકાઈ હતી. ધોનીની કેપ્ટન્સીમાં જ રમવા ઉતરેલા ભારતે ગૂ્રપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે જીત હાંસલ કરી હતી. જોકે સુપર-૮માં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૪૯ રનથી, વિન્ડિઝ સામે ૧૪ રનથી અને શ્રીલંકા સામે પાંચ વિકેટથી પરાજય થયો હતો અને ટીમ બહાર ફેંકાઈ હતી. વિન્ડિઝમાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટ્રોફી જીતી હતી.


૨૦૧૨ : ભારત રનરેટને કારણે સુપર એઈટમાંથી આઉટ


ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા બાદના સળંગ ત્રીજા વર્લ્ડ કપમાં સુપર-એઈટમાંથી બહાર ફેંકાઈ હતી. ભારતે ગૂ્રપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતુ. સુપર એઈટમાં પણ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૯ વિકેટથી પરાજય થયો હતો. જોકે ભારતે પાકિસ્તાનને ૮ વિકેટથી અને સાઉથ આફ્રિકાને ૧ રનથી હરાવ્યું હતુ. સુપર-૮ના અંતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારતના પોઈન્ટ ૪-૪ થયા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાનો રનરેટ ૦.૪૬૪, પાકિસ્તાનનો રનરેટ ૦.૨૭૩ અને ભારતનો રનરેટ -૦.૨૭૪ હોવાથી ભારત બહાર ફેંકાયું હતુ.


૨૦૧૪ : શ્રીલંકા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય


નવા ફોર્મેટમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સહિતની ટોચની ટીમો સીધી સુપર-૧૦માં ક્વોલિફાય થઈ હતી. ભારતે પાકિસ્તાને ૭ વિકેટથી, વિન્ડિઝને ૭ વિકેટથી, બાંગ્લાદેશને આઠ વિકેટથી અને ઓસ્ટ્રેલિયાને ૭૩ રનથી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવ્યું હતુ. જોકે મીરપુરમાં રમાયેલી ફાઈનલમાં ભારતનો શ્રીલંકા સામે ૬ વિકેટથી પરાજય થયો હતો. કોહલીએ સૌથી વધુ ૩૧૯ રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ સિરિઝ બન્યો હતો.


૨૦૧૬ : વિન્ડિઝ સામે સેમિ ફાઈનલમાં ૭ વિકેટથી પરાજય


ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં જીતના જુસ્સા સાથે શાનદાર દેખાવ કર્યો હતો. સુપર-૧૦માં ભારતનો ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ૪૭ રનથી પરાજય થયો હતો. જોકે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી, બાંગ્લાદેશને એક રનથી અને ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવીને ગૂ્રપમા બીજા સ્થાને રહીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે વિન્ડિઝ સામેની સેમિ ફાઇનલમાં કોહલીના ૪૭ બોલમાં ૮૯* રનની મદદથી બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા. જવાબમાં વિન્ડિઝે ૧૯.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૬ રન કરતાં મેચ જીતી લીધી હતી. સિમોન્સે ૫૧ બોલમાં અણનમ ૮૨ રન ફટકાર્યા હતા. આખરે ફાઈનલમાં વિન્ડિઝ ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતુ.