T20 World Cup 2022, IND vs PAK:  ટી20 વર્લ્ડ કપ મેચમાં રવિવારે ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં 4 વિકેટથી હરાવ્યું હતું. મેચના હીરો વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા રહ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટની આ તોફાની ઈનિંગની મદદથી ભારતે 160 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. હાર્દિક પંડ્યાએ પણ 40 રનની ઈનિંગ રમવાની સાથે 3 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાન પર મસૂદના 52 અને ઈફ્તિખાર અહેમદના 51 રનની મદદથી 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3, અર્શદીપ સિંહે 32 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ રોમાંચક મેચની વચ્ચે એક ખરાબ સમાચાર પણ સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, ભારત-પાકિસ્તાનની મેચ જોતી વખતે આસામના એક વ્યક્તિએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો હતો.


આસામમાં ક્રિકેટ ચાહકનું મોત


આસામમાં રવિવારે ભારત અને પાકિસ્તાના હાઇ વોલ્ટેજ મુકાબલા 34 વર્ષીય બીટુ ગોગોઈએ જીવ ગુમાવ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે તેના મિત્રો સાથે રવિવારે મેચ જોવા માટે સ્થાનિક સિનેમા હોલમાં ગયો હતો. મેચ જોતી વખતે તે અચાનક બેહોશ થઈ ગયો અને પડી ગયો. જે બાદ તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મેચ દરમિયાન સિનેમા હોલમાં વધુ પડતા અવાજના પ્રદૂષણને કારણે ગોગોઈને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ગોગોઈના પરિવાર અનુસાર તેઓ સ્વસ્થ હતા અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નહોતી.


રોમાંચક મેચમાં ભારતનો અંતિમ બોલે વિજય


160 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. ભારતીય ટીમે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ સમજદાર ઈનિંગ્સ રમી હતી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 82 બોલમાં 113 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ ભાગીદારી ભારતને જીતના ઉંબરે લઈ ગઈ. આ મેચમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ક્યારેક એવું લાગ્યું કે મેચમાં પાકિસ્તાનની ટીમનો દબદબો છે તો ક્યારેક ભારતનો દબદબો જોવા મળ્યો. છેલ્લા 8 બોલ પર દરેક ક્ષણે વાતાવરણ બદલાતું રહ્યું. છેલ્લે, વિરાટ કોહલીની 53 બોલમાં 82 રનની અણનમ ઈનિંગ કામમાં આવી અને ભારતે 4 વિકેટે મેચ જીતી લીધી હતી.