T20 World Cup 2022, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 પોતાના અંતિમ તબક્કમાં છે, બન્ને સેમિ ફાઇનલ મેચો રમાઇ ચૂકી છે, અને આગામી રવિવારે ટ્રૉફી ઉઠાવવા અને ચેમ્પીયન બનવા માટે બે ટીમો વચ્ચે જંગ જામશે, એકબાજુ ન્યૂઝીલેન્ડને હરાવનારી પાકિસ્તાની ટીમ છે, તો બીજીબાજુ ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચેલી ઇંગ્લિશ ટીમ છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેમ્પીયન બનવા માટે જંગ જામશે.
ટી20 વર્લ્ડકપ 2022માં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો સારી રીતે રમી પરંતુ સેમિ ફાઇનલ મેચમાં હાર સાથે વિદાય લેવી પડી હતી. ભારતીય ટીમને ઘણીબધી આશા હતી કે ફાઇનલ જીતીને ટ્રૉફી હાથમાં લઇ લેશુ પરંતુ ઇંગ્લેન્ડે બહુ મોટો ઝટકો આપતા ટીમને બહાર ધકેલી દીધી હતી. જોકે, આ બધાની વચ્ચે ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, તે છે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ સામેલ છે.
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે જે નામોને શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં ભારતીય ટીમના બે ખેલાડીઓ ટૉપ પર છે, એક વિરાટ કોહલી અને બીજો સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાનનો ફાસ્ટ બૉલર શાહીન શાહ આફ્રિદી પણ આ લિસ્ટમાં સામેલ છે. ભારતીય ફેન્સને આશા છે કે, ટી20 વર્લ્ડકપની ટ્રૉફી ભલે ના આવી પરંતુ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ ભારતીય ખેલાડીને જરૂર મળશે.
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 ટૂર્નામેન્ટની વાત કરીએ તો, બેટિંગ માટે આ વખતે વિરાટ કોહલીએ ધમાલ મચાવી છે. વિરાટે ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, જેમાં 98.66ની બેટિંગ એવરેજથી 296 રન બનાવ્યા છે, જે આ વર્લ્ડકપમાં કોઇપણ વ્યક્તિગત રીતે હાઇએસ્ટ સ્કૉર છે. જ્યારે સૂર્યકુમાર યાદવે પણ આ ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ રમી છે, અને 59.75ની બેટિંગ એવરેજથી 239 રન બનાવ્યા છે. જે આ ટૂર્નામેન્ટમાં આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. આ બન્ને ખેલાડીઓએ ઓછી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને બતાવી છે, જેના કારણે શૉર્ટલિસ્ટમાં ટૉપ પર છે. આ ઉપરાંત પાકિસ્તાનના ફાસ્ટ બૉલર શાહિન શાહ આફ્રિદીનુ નામ છે.