IND vs ZIM, T20 World Cup 2022: આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર 12 સ્ટેજની અંતિમ મેચ રમાઈ હતી. આજની મેચ ભારતે 71 રનથી જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં આપેલા 187 રનના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વેની ટીમ 115 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત માટે અશ્વિને 3,  શમીએ 2, હાર્દિક પંડ્યા, અર્શદીપ, ભુવનેશ્વર અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન એક કિશોર વયનો ક્રિકેટ ફેન મેદાનમાં આવી પહોંચ્યો હતો.


સિક્યોરિટી તોડીને મેદાનમાં આવ્યો કિશોરઃ


17મી ઓવર જ્યારે હાર્દિક પંડ્યા ફેંકી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની સિક્યોરીટીનો ભંગ કરીને એક છોકરો મેદાનમાં ઘુસ્યો હતો. આ છોકરાની પાછળ સિક્યોરિટી ગાર્ડ દોડ્યા હતા ત્યારે એક સમયે તે નીચે પણ પડી ગયો હતો. આ દરમિયાન રોહિત શર્મા તેને મળવા સામે આવ્યો હતો અને વાત પણ કરી હતી. જો કે, આ વાતચીત ક્ષણ પુરતી જ હતી. ત્યાર બાદ સિક્યોરિટી ગાર્ડ આ યુવા ચાહકને મેદાનમાં બહાર લઈ જતા નજરે પડે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો મેદાનમાં બેઠેલા દર્શકોએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. હવે આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.










ભારતે મેળવી શાનદાર જીતઃ


ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ  થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.