ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં વધુ એક મોટો અપસેટ સર્જાયો હતો. ટી-20 વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હાર આપી હતી. ગુરુવારે (27 ઓક્ટોબર) પર્થમાં રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ પાકિસ્તાન આઠ વિકેટ ગુમાવીને 129 રન જ બનાવી શક્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર છે. આ પહેલા પ્રથમ મેચમાં પાકિસ્તાનને ભારત સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.






પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ માત્ર પાંચ ઓવરમાં 42 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. જો કે, તે પછી તેણે સસ્તામાં વિકેટો ગુમાવી દીધી હતી. 10મી ઓવર સુધીમાં ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 64 રન હતો,. સીન વિલિયમ્સ (31) અને સિકંદર રઝા (9) વચ્ચે ચોથી વિકેટ માટે 31 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાની બોલરોએ વાપસી કરતા ઝિમ્બાબ્વેને ફરી આંચકો આપ્યો અને ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાન પર 95 રન થઇ ગયો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમે ચાર વિકેટ ઝડપી હતી. શાદાબ ખાને પણ ત્રણ વિકેટ ઝડપી હતી.






ઝિમ્બાબ્વેના બોલરોએ પણ કર્યું શાનદાર પ્રદર્શન


ઓછા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પાવરપ્લેમાં જ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ ગુમાવી દીધી હતી. આઠમી ઓવર સુધીમાં ટીમને 36ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. બાદમાં શાદાબ ખાન (17) અને શાન મસૂદ (44) વચ્ચે ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી સાથે પાકિસ્તાને મેચમાં વાપસી કરી હતી પરંતુ સિકંદર રઝાએ સતત બે ઓવરમાં શાદાબ અને મસૂદને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી


મોહમ્મદ નવાઝે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર આઉટ થતાં જ ઝિમ્બાબ્વેએ જીત હાંસલ કરી હતી.