IND vs NED, Match Highlights: T-20 વર્લ્ડ કપ 2022 માં ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડ સામેની મેચમાં 56 રને વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં ભારતની આ સતત બીજી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બે વિકેટના નુકસાને 179 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 123 રન જ બનાવી શક્યા હતા. નેધરલેન્ડ્સ તરફથી સૌથી વધુ રન ટિમ પ્રિન્ગલે 20 રન બનાવ્યા હતા.
ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રોહિત 39 બોલમાં 53 રનની કેપ્ટન ઇનિંગ રમીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને કોહલીએ સાથે મળીને ઝડપી રન ફટકાર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 95 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી.
કોહલીએ ટૂર્નામેન્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી અને તે બંન્ને મેચમાં અણનમ રહ્યો હતો. કોહલીએ નેધરલેન્ડ સામે 44 બોલમાં અણનમ 62 રન ફટકાર્યા હતા. આ ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ સૂર્યકુમારે માત્ર 25 બોલમાં અણનમ 51 રન ફટકાર્યા હતા. સૂર્યકુમારે સાત ચોગ્ગા અને એક સિકસ ફટકારી હતી
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. પાવરપ્લેમાં ડચ ટીમ માત્ર 27 રન બનાવી શકી હતી અને તેણે બે વિકેટ પણ ગુમાવી દીધી હતી. ભારતીય સ્પિનરોએ મધ્ય ઓવરોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને નેધરલેન્ડને કોઈ તક આપી નહોતી. અક્ષર પટેલે ચાર ઓવરમાં 18 રન અને રવિચંદ્રન અશ્વિને ચાર ઓવરમાં 21 રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી.ભારત તરફથી ભુવનેશ્વર કુમાર 2, અર્શદીપ સિંહ 2 તથા અક્ષર અને અશ્વિને 2-2 વિકેટો ઝડપી હતી. ભુવીએ 3 ઓવરના પોતાના સ્પેલમાં માત્ર 9 રન આપીને 2 મેઇડન સાથે 2 વિકેટો ઝડપી હતી.