ટી-20 વર્લ્ડકપમાં હાલમાં સુપર-12 તબક્કાની મેચો ચાલી રહી છે. 27 ઓક્ટોબર (ગુરુવારે), સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 56 રનથી ધમાકેદાર જીત મેળવી હતી. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની આ સતત બીજી જીત હતી.
ભારત-નેધરલેન્ડ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેણે ખૂબ ચર્ચા જગાવી છે. સિડનીના મેદાનમાં એક ભારતીય છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. જ્યારે નેધરલેન્ડની ઈનિંગ્સની 7મી ઓવર ચાલી રહી હતી તે સમયે આ કપલને ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું. છોકરાએ પહેલા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને પછી રિંગ પહેરાવી હતી. બાદમાં બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બે વિકેટે 179 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 39 બોલમાં 53 રનની ઈનિંગ રમીને ભારત માટે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે ટીમ ઇન્ડિયાની ઇનિંગ સંભાળી હતી. વિરાટ કોહલીએ 44 બોલમાં અણનમ 62 રનની ઈનિંગ્સ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 73 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રોહિત 39 બોલમાં 53 રનની કેપ્ટન ઇનિંગ રમીને આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને કોહલીએ સાથે મળીને ઝડપી રન ફટકાર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 95 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીના કારણે ભારતીય ટીમ મજબૂત સ્કોર ઉભો કરી શકી હતી.