T20 World Cup 2024 USA: અમેરિકાની ટીમે (USA) T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુએસએ સુપર 8માં પહોંચી ગયું છે. અહીં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થશે. યુએસએ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જૂને મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે હવે યુએસએની ટીમ પણ રમવા ભારત આવશે. તે T20 વર્લ્ડકપ 2026 માટે ક્વૉલિફાય થઈ ગયો છે. યુએસએ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે.


વાસ્તવમાં USA એ T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચારમાંથી ત્રણ ગ્રુપ મેચ જીતી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. હવે તે સુપર 8માં પહોંચી ગઈ છે. હવે તે ટી20 વર્લ્ડકપ 2026માં રમવા માટે પણ ભારત પહોંચશે. યુએસએનો પાવરફુલ પ્લેયર સૌરભ નેત્રાવલકર ઘણો ચર્ચામાં હતો. તેણે ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું છે.


યૂએસએએ પાકિસ્તાનને આપી હતી માત 
યુએસએ તેની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાન સામે રોમાંચક જીત હાંસલ કરી હતી. તેણે સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અમેરિકાએ પણ ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તેઓ આ મેચ જીતી શક્યા ન હતા. પરંતુ ભારત માટે પણ જીત આસાન નહોતી. વરસાદના કારણે યુએસએની એક મેચ રદ્દ કરવામાં આવી હતી.


સુપર-8માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે યૂએસએ 
યુએસએ સુપર 8માં ત્રણ મેચ રમવાની છે. અહીં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 19 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાશે. આ મેચ 21 જૂને બાર્બાડોસમાં રમાશે. યુએસએની ત્રીજી મેચ B1 ટીમ સામે થશે. આ મેચ 23 જૂને બાર્બાડોસમાં રમાશે.