T20 World Cup 2024:  આ વર્ષે અમેરિકામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે રોહિત શર્માને ટી-20 વર્લ્ડ કપ માટે કેપ્ટન જાહેર કર્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન રહેશે, જ્યારે કોચિંગની જવાબદારી રાહુલ દ્રવિડ પાસે રહેશે.


જય શાહે આશા વ્યક્ત કરી છે કે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ જીતવામાં ચોક્કસપણે સફળ રહેશે. જય શાહે ગયા વર્ષના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી છે. જોકે, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.






ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરેલા વીડિયોમા સાંભળી શકાય છે કે જય શાહે જાહેરાત કરી હતી કે રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. જય શાહે રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, "આપણે ભલે 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ હારી ગયા, પરંતુ ટીમ ઈન્ડિયા ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે. ભારતે સતત 10 મેચ જીતી હતી. મને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહેશે.






અત્યાર સુધી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે તે અંગે સવાલ ઉઠી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની સફર 2022 ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સમાપ્ત થઈ ગઈ. આ પછી રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો હતો. પરંતુ જાન્યુઆરીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિના બાદ ટી-20 ટીમમાં પરત ફર્યા હતા. રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં પણ સદી ફટકારી હતી. ત્યારથી એવી આશા હતી કે રોહિત શર્મા આ વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળશે.