Sandeep Lamichhane Visa Denied: નેપાળ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને (Sandeep Lamichhane)નું T20 વર્લ્ડ કપ 2024માં રમવાનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે. અમેરિકાએ બીજી વખત સંદીપને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. નેપાળે જ્યારે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી ત્યારે સંદીપ રેપ કેસના આરોપમાં જેલમાં હતો. પરંતુ હવે કોર્ટે રેપ કેસમાં સંદીપને ક્લીનચીટ આપી દીધી છે. પરંતુ તેમ છતાં તેને અમેરિકાના વિઝા મળ્યા નથી.

Continues below advertisement


રેપ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે સંદીપ હવે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. સંદીપે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ નેપાળમાં યુએસ એમ્બેસીએ તેનો વિઝા નકારી કાઢ્યો હતો.


પહેલીવાર વિઝા માટે રિજેક્ટ થયેલા સંદીપે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે કેવી રીતે 2019માં અમેરિકન એમ્બેસીએ તેની સાથે આવું જ કર્યું હતું. સંદીપે લખ્યું હતું કે યુએસ એમ્બેસીએ ફરીથી તે કર્યું જે તેઓએ 2019માં કર્યું, તેઓએ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે મારો વિઝા નકારી કાઢ્યો છે. દુર્ભાગ્ય. મને નેપાળ ક્રિકેટના તમામ શુભેચ્છકો માટે ખેદ છે.


બીજી વખત વિઝા રિજેક્ટ થયા


બીજી વખત સંદીપને વિઝા અપાવવા માટે સરકાર અને નેપાળ ક્રિકેટે  દરમિયાનગીરી કરી હતી. પરંતુ તેમ છતા સંદીપને અમેરિકાના વિઝા આપવામાં આવ્યા ન હતા.


સજા 8 વર્ષની થઇ હતી પરંતુ બાદમાં ચુકાદો પલટાયો હતો


ઉલ્લેખનીય છે કે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં સંદીપને આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. પરંતુ ત્યારબાદ પાટણ હાઈકોર્ટની બે જજની પેનલે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયને ફગાવી દેવાનો ચુકાદો આપ્યો હતો. આ રીતે બળાત્કારના કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.