T20 World Cup 2024: આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) એ આવતા મહિને ન્યૂયોર્કમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની  ટી-20 વર્લ્ડ કપ મેચ પર હુમલો કરવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કના અધિકારીઓએ બુધવારે કહ્યું કે તેઓ સુરક્ષા વધારી રહ્યા છે.






પોલીસને સુરક્ષા વ્યવસ્થા વધારવા સૂચના


ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે તેમણે રાજ્ય પોલીસને સુરક્ષા વધારવા માટે નિર્દેશ આપ્યો છે, જેમાં કર્મચારીઓની હાજરી વધારવી,  સારી દેખરેખ અને સઘન તપાસ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આ મેચ ન્યૂયોર્ક શહેરની સરહદે આવેલા નાસાઉ કાઉન્ટીમાં યોજાશે.


કાઉન્ટી પ્રમુખે શું કહ્યું?


કાઉન્ટી ચીફ બ્રુસ બ્લેકમેને કહ્યું કે અમે ખાતરી કરીએ છીએ કે અમે દરેક સંભવિત પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. આ માટે અમે અનેક સાવચેતીનાં પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ. દરેક ધમકી માટે સમાન પ્રક્રિયા છે. અમે જોખમને ઓછું આંકતા નથી. અમે અમારા બધા પુરાવાઓની તપાસ કરીએ છીએ.


IS એ તસવીર પોસ્ટ કરી હતી


ઉલ્લેખનીય છે કે ISએ બ્રિટિશ ચેટ સાઈટ પર નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્થિત ક્રિકેટ સ્ટેડિયમની તસવીર પોસ્ટ કરી હતી, જેના ઉપરથી ડ્રોન ઉડી રહ્યા હતા.જેમાં તારીખ 9/06/2024 બતાવવામાં આવી હતી, જે ભારત-પાકિસ્તાન મેચની તારીખ છે.


ભારત-પાકિસ્તાન મેચ અમેરિકન સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. બંને કટ્ટર હરીફ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે શરૂ થશે. ભારતીય લોકો ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર વર્લ્ડ કપની મેચ લાઈવ જોઈ શકશે. જ્યારે મોબાઈલ અને ટેબલેટ યુઝર્સ ડિઝની હોટસ્ટાર એપ પર લાઈવ સ્ટ્રીમનો આનંદ માણી શકશે.


BCCIએ 30 એપ્રિલે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમના સુકાની રહેશે અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે. પીસીબીએ 24 મેના રોજ આગામી વર્લ્ડ કપ માટે તેની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમ સુકાની કરશે અને હેરિસ રઉફ ઈજાના કારણે ટીમમાં વાપસી કરશે.