T20 World Cup: ટી20 વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમમાં ગઈકાલે એક બદલાવ પણ કરવામાં આવ્યો છે અને અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં લેવાયો છે. જોકે ભારતીય ટીમમાં એક કમી છે કે ટીમમાં કોઈ મેચ ફિનિશર નહોતો. જોકે હવે આનો પણ ઉકેલ આવી ગયો છે, કારણકે ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાને જે હેતુથી ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું હતું તેના પર તે ખરો નથી ઉતરી રહ્યો. પરંતુ તેને હવે એમએસ ધોની વાળી ભૂમિકા આપવામાં આવી રહી છે. પંડ્યાને એક બેટ્સમેન તરીકે મેચ ફિનિશરની જવાબદારી સોંપવામાં આવી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
ટીમ મેનેજમેન્ટે શું લીધો નિર્ણય
ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તાજેતંરમાં હાર્દિક પંડ્યાની ઈજાનું મૂલ્યાંકન કરીને તેને ટી20 વર્લ્ડકપમાં મેચ ફિનિશર તરીકે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ટીમના એક સૂત્રએ જણાવ્યું કે, જ્યારે બોલિંગની વાત આવે છે ત્યારે હાર્દિક હજુ પણ 100 ટકા સુધી ફિટ નથી. પરંતુ દબાણને હળવું કરવા માટે બેટિંગની વાત આવે છે ત્યારે તેનો અનુભવ ટીમને કામમાં આવી શકે છે. હાર્દિક સારો મેચ ફિનિશર છે.
ટી20 વર્લ્ડકપમાં હાર્દિક બોલિંગ કરશે?
સૂત્રના કહેવા મુજબ, હાર્દિક બોલિંગ માટે સંપૂર્ણ ફિટ નથી. અમે વર્લ્ડકપમાં સમયાંતરે તેનું મૂલ્યાંકન કરતા રહીશું અને તે ફિનિશરની ભૂમિકામાં રહેશે. હાલ ટીમ તેને એક બેટ્સમેન તરીકે જોઈ રહી છે. ધોની જેવી રીતે ફિનિશરની ભૂમિકા ભજવતો હતો તેવી જ રીતે હાર્દિક પણ વર્લ્ડકપમાં આ ભૂમિકા નીભાવશે. સૂત્રના કહેવા મુજબ, હાર્દિક જેવા વ્યક્તિ સાથે તમે જાણો છો કે સમર્પણ અને પ્રયાસનું સ્તર હંમેશા 100 ટકા હોય છે.તેથી અમે તેની બોલિંગ પર કામ કરતા રહીશું.
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત , ઇશાન કિશન (ડબલ્યુકે), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય: શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચાહર. આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.
કોચ: રવિ શાસ્ત્રી.
માર્ગદર્શક: એમએસ ધોની.