ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં મોટા અંતરથી જીત મેળવી છે. સુપર 12 સ્ટેજની ગ્રુપ બીની મેચમાં ભારતે એકતરફી મેચમાં સ્કોટલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. ટીમે સ્કોટલેન્ડનો 86 રનનો ટાર્ગેટ માત્ર 6.3 ઓવરમાં મેળવી લીધો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાનો રન રેટ પણ ઘણો બદલાઈ ગયો છે. ભારતીય ટીમ હવે +1.62ના મજબૂત રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમની આ જોરદાર જીત સાથે સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ ટકી રહી છે. જોકે, નોકઆઉટ સ્ટેજનો રસ્તો હજુ પણ તેના માટે આસાન નથી. આવો જાણીએ સેમીફાઈનલમાં પહોંચવાના સંપૂર્ણ સમીકરણ


સેમી ફાઇનલમાં પહોંચવા માટેનું સમીકરણ:


પાકિસ્તાનની ટીમ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ હાલમાં બીજા સ્થાન માટે પ્રબળ દાવેદાર છે. જો કે ભારતીય ટીમનો રન રેટ હવે વધીને +1.62 થઈ ગયો છે જે અફઘાનિસ્તાન (+1.481) અને ન્યુઝીલેન્ડ (+1.277) બંને કરતા વધારે છે, પરંતુ પોઈન્ટની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા હજુ પણ ન્યુઝીલેન્ડથી પાછળ છે.


જો ભારત હવે સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેણે આશા રાખવી પડશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે અને તે પછી ટીમ ઈન્ડિયા નામીબિયા સામેની તેની છેલ્લી ગ્રુપ મેચ પણ મોટા અંતરથી જીતશે. આ સ્થિતિમાં ભારત-ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને છ પોઈન્ટ મળશે અને ત્યારબાદ રન રેટના આધારે બીજા સેમીફાઈનલની પસંદગી કરવામાં આવશે.


મેચ સ્થિતિ:


ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ છ મેચમાં પ્રથમ વખત ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સ્કોટલેન્ડને 17.4 ઓવરમાં 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી સૌથી સફળ બોલર હતા, બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે કેએલ રાહુલ અને રોહિત શર્માની ધમાકેદાર ઇનિંગ્સના દમ પર માત્ર 39 બોલમાં મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે રાહુલે 19 બોલમાં 50 રન અને રોહિત શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા.