T20 World Cup, IND vs PAK : ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકે કહ્યું, ભારત ટી20 વર્લ્ડકપ જીતવાનું પ્રબળ દાવેદાર છે. યુએઈની પરિસ્થિતિ ઉપમહાદ્વીપ જેવી છે, આ સ્થિતિમાં કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમના ચાંસ વધારે છે.
શું કહ્યું હકે
હકે તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, બારતે ઓસ્ટ્રેલિયા સામે આરામથી અભ્યાસ મેચ જીતી. ઉપમહાદ્વીપ જેવી પિચો પર ભારત વિશ્વની સૌથી ખતરનાક ટીમ છે. મારું માનવું છે કે ટી20 વર્લ્ડકપમાં બાકી ટીમોના મુકાબલે ભારતીય ટીમના જીતવાની શક્યતા વધારે છે. કારણકે તેમની પાસે અનુભવી ખેલાડીઓ છે. બેટિંગની સાથે બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. જેમ જેમ મુકાબલા રમાતા જશે તેમ યુએઈની પિચ સ્પિનર્સને અનુકૂળ થતી જશે. ભારત પાસે અશ્વિન અને જાડેજા જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનર છે. ઉપરાંત ભારતીય બેટ્સમેન સ્પિન પણ સારી રીતે રમે છે.
મેચ જીતનારી ટીમનું મનોબળ 50 ટકા વધશે
હકે એમ પણ કહ્યું, 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ ફાઈનલ પહેલાની ફાઈનલ છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પણ ભારત અને પાકિસ્તાને એક-બીજા સામે રમીને કરી હતી અને સમાપ્તિ પણ તેનાથી થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ બિલકુલ ફાઈનલ જેવી હતી. આ સ્થિતાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ જીતનારી ટીમનું મનોબળ વધશે અને તેમના પરથી 50 ટકા પ્રેશર હટી જશે.
ભારત-પાકિસ્તાન ટીમનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબાલ રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.