ભારતીય ટીમ આવતા મહિને એટલે કે જૂલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. અહીં બંને ટીમો વચ્ચે ટેસ્ટ, ODI અને T20 સીરિઝ રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ODI અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે, જેમાં ઘણા યુવા ખેલાડીઓને પ્રથમવાર ટીમમાં સામેલ કરાયા છે.


પરંતુ એક સ્ટાર ખેલાડીને પડતો મૂકવામાં આવ્યો છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ખેલાડી છે સરફરાઝ ખાન. દિગ્ગજ સુનીલ ગવાસ્કર જેવા ભૂતપૂર્વ દિગ્ગજોએ સરફરાઝને સ્થાન ન મળવા બદલ ટીકા કરી હતી. પરંતુ હવે બીસીસીઆઈના એક સૂત્રએ દાવો કર્યો છે કે આ નિર્ણય પાછળ મુંબઈના બેટ્સમેનની ખરાબ ફિટનેસ અને અનુશાસનનો અભાવ મુખ્ય કારણો છે.


ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 79.65ની એવરેજથી રન બનાવ્યા


જમણા હાથના બેટ્સમેન સરફરાઝે રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ સીઝનમાં 2566 રન બનાવ્યા છે. તેણે પોતાના કરિયરમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 37 મેચોમાં 79.65ની એવરેજથી રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં અંડર-19 વર્લ્ડ કપમાં બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન આપવા પર સવાલ ઉઠી રહ્યા છે.


જ્યારે ઋતુરાજ ગાયકવાડને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની સરેરાશ 42ની નજીક છે. ટીમ સિલેક્શન સાથે જોડાયેલા બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે  "આવી પ્રતિક્રિયાઓને સમજી શકાય છે પરંતુ હું તમને કહી શકું છું કે સરફરાઝને વારંવાર સાઇડલાઈન કરવા પાછળનું કારણ માત્ર ક્રિકેટ જ નથી." ઘણા કારણો છે જેના કારણે તેમની પસંદગી નથી થઈ રહી.


'સરફરાઝે પોતાનું વજન ઓછું કરવું પડશે'


"શું પસંદગીકારો નાસમજ છે કે સતત બે સિઝનમાં 900થી વધુ રન બનાવનાર ખેલાડીની અવગણના કરી શકે. ટીમમાં પસંદ ન થવા પાછળનું એક મોટું કારણ તેની ફિટનેસ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરની નથી. સરફરાઝે આ મામલે સખત મહેનત કરવી પડશે અને તેનું વજન ઘટાડવું પડશે અને વધુ ફિટનેસ સાથે વાપસી કરવી પડશે. પસંદગી માટે માત્ર બેટિંગ ફિટનેસ જ એકમાત્ર માપદંડ નથી.


બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર, ફિટનેસની સાથે સરફરાઝનું મેદાનની અંદર અને બહારનું વલણ પણ અનુશાસનના માપદંડો પર ખરું ઉતર્યું નથી. “ફિલ્ડ પર અને મેદાનની બહાર તેમનું વર્તન શ્રેષ્ઠ રહ્યું નથી. તેના કેટલાક શબ્દો અને કેટલીક અભિવ્યક્તિઓ શિસ્તની દૃષ્ટિએ સારી નથી. એવી અપેક્ષા છે કે સરફરાઝ તેના પિતા અને કોચ નૌશાદ ખાન સાથે આ પાસાઓ પર કામ કરશે.


એવું માનવામાં આવે છે કે આ વર્ષની શરૂઆતમાં દિલ્હી સામે રણજી મેચમાં સદી ફટકાર્યા બાદ સરફરાઝના આક્રમક સેલિબ્રેશને પસંદગીકારોને નારાજ કર્યા હતા. તે સમયે પસંદગી સમિતિના તત્કાલીન વડા ચેતન શર્મા સ્ટેડિયમમાં હાજર હતા. અગાઉ, 2022 રણજી ટ્રોફી ફાઇનલમાં તેના વર્તનથી મધ્યપ્રદેશના કોચ અને મુંબઈના ભૂતપૂર્વ દિગ્ગજ ચંદ્રકાંત પંડિત નારાજ થયા હતા.


હવે ટીમમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બનશે


જ્યારે આ અધિકારીને પૂછવામાં આવ્યું કે શું આઈપીએલમાં તેનું ખરાબ પ્રદર્શન અને શોટ બોલ સામે તેની નબળાઈએ તેને આવો નિર્ણય લેવા માટે મજબૂર કર્યા.  જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'આ મીડિયા દ્વારા બનાવવામાં આવેલી ધારણા છે. જ્યારે મયંક અગ્રવાલ ભારતીય ટેસ્ટ ટીમમાં આવ્યો ત્યારે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ સીઝનમાં લગભગ 1000 રન બનાવ્યા હતા. શું એમએસકે પ્રસાદની સમિતિએ તેમના IPL રેકોર્ડ પર નજર નાખી હતી? હનુમા વિહારીનું પણ એવું જ હતું. ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા બાદ તે નેશનલ ટીમમાં પણ આવ્યો હતો. જ્યારે ભારતીય ટીમમાં પસંદગી માટે તેના આઈપીએલ રેકોર્ડ પર વિચાર કરવામાં આવ્યો ન હતો, તો સરફરાઝ સાથે આવું કેમ થશે.


બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે સરફરાઝ માટે હવે ટીમમાં સ્થાન મેળવવું વધુ મુશ્કેલ બની જશે. ગાયકવાડની સાથે સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં સ્થાનનો દાવેદાર છે અને શ્રેયસ ઐય્યર ઈજામાંથી સાજો થઈ જશે ત્યારે ટીમમાં વાપસી કરવાનો તેનો દાવો પણ મજબૂત થશે.