IND vs WI 4th T20, Match Report: ચોથી T20 મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને આસાનીથી હરાવ્યું છે. આ મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવ્યું હતું. આ રીતે 5 ટી20 મેચોની સિરીઝ 2-2ની બરાબરી પર આવી ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 179 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 17 ઓવરમાં 179 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત માટે બંને ઓપનર શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી.


 






શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે કેરેબિયન ટીમને કોઈ તક ન આપી 


શુભમન ગિલ 47 બોલમાં 77 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ 51 બોલમાં 84 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે એકમાત્ર સફળતા રોમેરો શેફર્ડને મળી હતી. જો કે હવે શ્રેણી 2-2 થી બરાબરી પર આવી ગઈ છે. આ રીતે સિરીઝની પાંચમી મેચ નિર્ણાયક મેચ બની રહેશે. જે ટીમ પાંચમી મેચ જીતશે તે શ્રેણી જીતશે.


તો બીજી તરફ આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 8 વિકેટે 178 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શિમરોન હેટમાયરે સૌથી વધુ રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયરે 39 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય શાઈ હોપે 29 બોલમાં 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી. જ્યારે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.


વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ 11:


બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, શાઈ હોપ, નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ અને ઓબેડ મેકોય.


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11


યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને મુકેશ કુમાર.