કોલકાતાઃ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની સફળતાનો આધાર ફાસ્ટ બોલર્સની ત્રિપૂટી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્માની જોડીને આભારી છે. આ દરમિયાન શમીએ મંગળવારે કહ્યું કે, બોલ પર લાળ લગાવ્યા વગર પણ તે રિવર્સ સ્વિંગ કરાવી શકે છે પરંતુ આ માટે બોલની ચમક જળવાયેલી હોવી જોઈએ.

શમીએ રોહિત જુગલાન સાથે ઈન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન કહ્યું, આપણે બાળપણથી જ લાળનો ઉપયોગ કરતાં આવ્યા છીએ તેથી તેના વગર મુશ્કેલી થશે. જો તમે ફાસ્ટ બોલર છો તો તમે બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો બોલ જૂનો થયા બાદ ચમક જળવાઈ રહે તો નિશ્ચિત રીતે રિવર્સ સ્વિંગ કરશે.

રિવર્સ સ્વિંગમાં માસ્ટર શમીએ કહ્યું, પરસેવો અને લાળ અલગ અલગ રીતે કામ કરે છે. મેં ક્યારેય લાળ વગર બોલિંગનો પ્રયાસ નથી કર્યો. હવે કોરોના વાયરસની મહામારીના કારણે લાળનો ઉપયોગ રોકવો ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયો છે.

ધોનીને લઈ પૂછવામાં આવેલા સવાલ પર શમીએ કહ્યું, તમામ ખેલાડીને મેદાનની અંદર અને બહાર મહેન્દ્ર સિંહ ધોનીની ઉણપ વર્તાય છે. આઈપીએલ ઉપરાંત ક્રિકેટના દરેક ફોર્મેટમાં હું તેના નેતૃત્વમાં રમ્યો છું. જ્યાં સુધી માર્ગદર્શનનો સવાલ છે તો સાથીઓ સાથે એવો વ્યવહાર કરે છે કે તમને લાગશે નહીં કે તે એમએસ ધોની છે. તેની સાથે મારી ઘણી યાદો છે.

ઓસ્ટ્રેલિયામાં 2018-19મા ઐતિહાસિક સીરીઝ જીતનારી ભારતીય ટીમના સભ્ય રહેલા શમીએ કહ્યું, તે આ વર્ષે ચાર દેશોની ટેસ્ટ સીરિઝને લઈ વધારે ઉત્સાહિત છે. શમીએ ગત વર્ષે વર્લ્ડકરમાં અફઘાનિસ્તાન સામે લીધેલી હેટ્રિકને ક્રિકેટ કરિયરની સર્વશ્રેષ્ઠ ગણાવી હતી.