Rohit Sharma Captaincy: ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલના ત્રીજા અને ચોથા દિવસે ભારતે શાનદાર વાપસી કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા છેલ્લા દિવસે પોતાની જાતને સંભાળી શકી ન હતી અને પત્તાના મહેલની માફ્ક વિખેરાઈ ગઈ હતી. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્માની ટીકાઓ થઈ રહી છે. જે હજી પણ યથાવત જ છે. આ ક્રમમાં હવે ભારતના પૂર્વ ટીમ સિલેક્ટરે મોટી પ્રતિક્રિયા આપી છે.
ઓપનર રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ-2023)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારત 209 રનના માર્જીનથી હારી ગયું હતું. હવે ભારતના પૂર્વ પસંદગીકારે રોહિત શર્માની કેપ્ટનશીપ પર નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે રોહિત શર્માને લઈને જે કંઈ કહ્યું છે તેને લઈને ક્રિકેટ જગતમાં સનસનાટી મચી જવા પામી છે.
'કેપ્ટન્સીનો અભાવ હતો'
લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમના પૂર્વ પસંદગીકાર સરનદીપ સિંહે મોટી વાત કહી છે. સરનદીપે કહ્યું હતું કે, રોહિતની કેપ્ટનશીપમાં કંઈક તો ખામી હતી. આ સિવાય તેમણે અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ-11માં શામેલ ના કરવાને લઈને પણ નારાજગી વ્યક્ત કરી હતી.
કેપ્ટન જ વધારે છે મનોબળ
સરનદીપ સિંહે ANIને કહ્યું હતું કે, આપણે કહી શકીએ કે કેપ્ટનશિપમાં થોડી ઉણપ હતી. આપણે વિરાટ કોહલીની આક્રમકતાથી ટેવાઈ ગયા છીએ. જ્યારે ટીમનું પ્રદર્શન ખરાબ હોય છે, ત્યારે કેપ્ટન ખેલાડીઓનું મનોબળ વધારે છે પરંતુ રોહિત શર્મા સાવ અલગ છે. ભારત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ પોતાના નામે કરી શક્યું નથી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ તમામ મોટી ICC ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બનીને ઈતિહાસ રચ્યો છે.
પ્લેઇંગ-11 પર પણ નારાજગી
ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ એમ પણ કહ્યું હતું કે, આ મેચ માટે પ્લેઇંગ-11ની પસંદગી ખોટી હતી. સરનદીપ સિંહે કહ્યું હતું કે, આ માત્ર રોહિત શર્માની ભૂલ નહોતી કે આપણે WTC ફાઇનલમાં હારી ગયા. આ વાતને લઈને સૌકોઈ વ્યક્તિ ચિંતિત છે. સૌપ્રથમ તો આપણી પ્લેઈંગ ઈલેવન જ ખોટી હતી. રવિચંદ્રન અશ્વિન આટલો સારો બોલર છે અને તે વિકેટ પણ લઈ શકતો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પાંચ ડાબોડી બેટ્સમેન હતા અને રન બનાવનાર ટ્રેવિસ હેડ પણ ડાબોડી બેટ્સમેન હતો. તેથી જો અશ્વિન હોત તો આ ઘટના જ ના ઘટી હોત.
તેમણે આ મોટી ટ્રોફિમાં હાર માટે સિનિયર ખેલાડીઓને પણ જવાબદાર ગણાવ્યા. સરનદીપે કહ્યું હતું કે, 'સમસ્યા સિનિયર ખેલાડીઓની છે. જ્યારે મોટી મેચો આવે છે, જેમ કે વર્લ્ડ કપ સેમિફાઇનલ 2019 અથવા એશિયા કપ ત્યારે આપણા સિનિયર ખેલાડીઓ એક સાથે હોતા જ નથી.
તેમણે કહ્યું હતું કે, આપણે ઘરઆંગણે શ્રેણીમાં બેટિંગ માટે સારી વિકેટ આપવી જોઈએ જેથી આપણા બેટ્સમેન લાંબા સમય સુધી બેટિંગ કરી શકે. લાંબા સમયથી આપણા બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં લાંબી બેટિંગ કરી છે. સિંહનો મત બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની ટિપ્પણીથી અલગ હતો જેમાં ગાંગુલીએ કહ્યું હતું કે, આઈપીએલ જીતવું વર્લ્ડકપ જીતવા કરતાં વધુ મુશ્કેલ છે.
સરનદીપ સિંહે કહ્યું હતું કે, ગાંગુલી પોતાના અનુભવથી બોલી રહ્યો છે. પણ આપણે ઘણા વર્ષોથી કોઈ ICC ટ્રોફી જીતી શક્યા જ નથી. IPLમાં તમારી પાસે અન્ય દેશોના ઘણા ખેલાડીઓ અને ઘણી મેચો છે પરંતુ ICC ફાઇનલમાં તમારી પાસે માત્ર એક જ તક છે. ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવો જોઈતો હતો કારણ કે તેની સ્પીડ 150 માઈલ પ્રતિ કલાકથી વધુ છે તેમ પણ સિંહે કહ્યું હતું.