નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ તમામ દેશોમાં ક્રિકેટ સ્થગિત છે. આ દરમિયાન ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામં ખેલાડીના ટ્રેનિંગ શરૂ કરવાનો રોડ મેપ તૈયાર થઈ ચુક્યો છે. જ્યારે ભારતે આ દિશામાં કોઈ પગલું ભર્યુ નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.


શાસ્ત્રીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલી મુલાકાતમાં જણાવ્યું, ઘરેલુ ક્રિકેટ અને દ્વીપક્ષીય સીરિઝને પ્રાથમિકતા આપવી જોઈએ. હું વર્લ્ડ ઈવેન્ટ પર વધારે ભાર નહીં આપું. ઘરમાં રહો અને ઘરેલુ ક્રિકેટ સામાન્ય સ્થિતિમાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ કલાસ સહિત તમામ સ્તર પર ક્રિકેટર મેદાન પર આવે તે સૌથી જરૂરી છે. બીજું દ્વિપક્ષીય સીરિઝ શરૂ કરો.

શાત્રીએ કહ્યું, જો અમારે વર્લ્ડકપના આયોજન અને દ્વીપક્ષીય પ્રવાસમાં કોઈ એકની પસંદગી કરવાની હોય તો અમે દ્વીપક્ષીયને પ્રાથમિકતા આપીશું. 15 ટીમો એક સાથે આવવાના બદલે અમે એક ટીમ આવે અને સમગ્ર દ્વીપક્ષીય સીરિઝ એક કે બે ગ્રાઉન્ડ પર રમાય તેમ અમે ઈચ્છીએ છીએ.

તેણે એમ પણ કહ્યું, જો પ્રાથમિકતા આપવાની વાત આવે તો અમે IPLને પ્રાથમિકતા આપી શકીએ છીએ. એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને આઈપીએલમાં ફર્ક એ છે કે આઈપીએલ માત્ર એક બે શહેરમાં રમાડી શકાય છે.

શાસ્ત્રીનું આ નિવેદન એટલા મેટ પણ મહત્વનું છે કે બીસીસીઆઈ તેની સૌથી મોટી ઘરેલુ ટુર્નામેન્ટ આઈપીએલની સીઝન માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. જો ટી-20 વર્લ્ડકપની તારીખ લંબાવવામાં આવે તો તે સમયનો ઉપયોગ આઈપીએલના આયોજન માટે કરી શકાય છે.