Rohit Sharma Video: ભારતીય ટીમ આ દિવસોમાં ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) માટે ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ કરી રહી છે. પ્રેક્ટિસ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માનો (Rohit Sharma) એક એવો વીડિયો સામે આવ્યો છે, જે બધાનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક 11 વર્ષનો ટેણીયો મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. રોહિત શર્માની આ નજર આ છોકરા પર પડે છે. રોહિત આ છોકરાની બોલિંગથી ઘણો પ્રભાવિત થયો અને તેણે આ છોકરાને બોલાવીને નેટ્સમાં લઈ ગયો હતો. નેટ્સમાં આ 11 વર્ષના છોકારની બોલિંગ પર રોહિત શર્માએ બેટિંગ કરી હતી.


11 વર્ષના બોલરે રોહિતને કર્યો પ્રભાવિતઃ


BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કઈ રીતે એક નાનકડો છોકરો બોલિંગ કરી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન તેની બોલિંગ પર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ છોકારાનું નામ દ્રુશિલ ચૌહાણ છે. દ્રુશિલની શાનદાર રનઅપ અને સારી બોલિંગ એક્શને બધાનું ધ્યાન ખેંચ્યું છે. દ્રુશિલની બોલિંગ જોઈને ભારતીય ટીમના બાકીના સ્ટાફ મેમ્બર પણ તેને મળવા આવ્યા હતા. રોહિત શર્માએ નેટ્સમાં બોલિંગ કરાવ્યા બાદ દ્રુશિલને ડ્રેસિંગ રુમમાં પણ બોલાવ્યો હતો. રોહિતે દ્રુશિલને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.






મોટો થઈને ક્રિકેટર બનવા માંગે છે દ્રુશિલઃ


જે રીતે તમે વીડિયોમાં જોઈ શકો છો કે, દ્રુશિલ જણાવી રહ્યો છે કે, તે એક ક્રિકેટરર બનવા માંગે છે. દ્રુશિલે આગળ જણાવ્યું કે, તેની પસંદગીની બોલિંગ ઈન સ્વિંગ યોર્કર અને આઉટ સ્વિંગ છે. રોહિત શર્માએ આ નાનકડા બોલરને પુછ્યું કે, તું ઈન્ડિયા માટે કઈ રીતે રમી શકીશ કારણ કે તું ઈન્ડિયામાં તો રહેતો નથી? આ પ્રશ્નના જવાબમાં દ્રુશિલે કહ્યું કે તે ભારત આવશે.


તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે મેલબર્નમાં રમશે. આ મેચ માટે ભારતીય ટીમ તૈયારીઓ કરી રહી છે. આ પહેલાં વર્ષ  2021ના ટી20 વર્લ્ડ કપમાં રમાયેલી પાકિસ્તાની સામેની મેચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.