ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં સાત રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમે ઈતિહાસ રચીને ટાઈટલ કબજે કર્યું છે. 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ટાઈટલ મેચમાં રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે.  ભારતની આ શાનદાર જીત બાદ ટીમના ખેલાડીઓની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. 






ભારતની જીત બાદ આખી ટીમ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્માથી લઈને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી સુધી દરેકની આંખોમાં આંસુ હતા. ભારતીય ટીમની જીતનો આનંદ આખા સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. દરેક લોકો ભારતની જીતની ઉજવણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા.






ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શકી હતી. આ જીત સાથે જ ભારતે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. આ પહેલા ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે જ ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. 13 વર્ષ સુધી કોઈ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ભારતે 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 


ભારતની જીતના હીરો



  • વિરાટ કોહલીઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રનની ઈનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

  • જસપ્રીત બુમરાહેઃ સાઉથ આફ્રિકની જીત એક તબક્કે નિશ્ચિત લાગતી હતી ત્યારે બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.

  • અર્શદીપ સિંહઃ અર્શદીપ સિંહે 4 ઓવરમાં 20 રન આપી માર્કરમ અને ડીકોકની વિકેટ લીધી હતી.

  • હાર્દિક પંડ્યાઃ હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે ખતરનાક બની રહેલા ક્લાસેન, ડેવિડ મિલર સહિત રબાડાની વિકેટ ઝડપી હતી.

  • અક્ષર પટેલઃ અક્ષર પટેલે બેટિંગમાં ધમાલ મચાવતા 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જે બાદ બોલિંગમાં 1 વિકેટ લીધી હતી. જોકે તે ખર્ચાળ સાબિત થયો હતો.


 T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.