Team India Victory Parade: ગુરુવારે સાંજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ટીમ બસમાં બેસીને મરીન ડ્રાઈવ પહોંચી, જ્યાં વિશ્વ વિજેતા ભારતીય ટીમનું સ્વાગત કરવા માટે હજારોની ભીડ પહેલેથી જ હાજર હતી. નરીમાન પોઈન્ટથી ભારતના તમામ ખેલાડીઓ ખુલ્લી બસમાં બેસીને વિજય પરેડની શરૂઆત કરી હતી અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ દરમિયાન વિરાટ કોહલીએ ભારતની ઐતિહાસિક જીતનો ઘણો શ્રેય જસપ્રિત બુમરાહને આપ્યો હતો. બીજી તરફ રોહિત શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો ત્યારે આ આખો કાર્યક્રમ સમાપ્ત થયો.


કોણે શું કહ્યું ?


રોહિત શર્મા- આ ટ્રોફી આપણા માટે નથી પરંતુ તમામ દેશવાસીઓ માટે છે. સવારે પીએમ મોદીને મળીને ખૂબ જ સન્માનની વાત છે અને તેમનામાં રમતગમત પ્રત્યે ઘણો ઉત્સાહ છે. જ્યારે ડેવિડ મિલરે હાર્દિક પંડ્યાના બોલ પર શૉટ માર્યો ત્યારે મને લાગ્યું કે તે પવનને કારણે સિક્સર જશે, પરંતુ આ બધું કિસ્મતમાં લખાયેલું હતું. અંતમાં સૂર્યકુમાર યાદવનો કેચ અકલ્પનીય હતો. મને આ આખી ટીમ પર ગર્વ છે.


વિરાટ કોહલી- રોહિત શર્મા અને હું ઘણા લાંબા સમયથી આ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમારું સપનું હંમેશા વર્લ્ડ કપ જીતવાનું હતું. અમે છેલ્લા 15 વર્ષથી સાથે રમી રહ્યા છીએ અને કદાચ આ પહેલીવાર છે જ્યારે મેં રોહિતને આટલો ભાવુક થતો જોયો છે. તે રડતો હતો, હું રડતો હતો, અમે બંને એકબીજાને ગળે લગાડ્યા અને આ દિવસ અમે ક્યારેય ભૂલીશું નહીં. જસપ્રીત બુમરાહ જેવો બોલર રોજ જન્મતા નથી અને તે દુનિયાની આઠમી અજાયબી છે.


રાહુલ દ્રવિડ- હું લોકોના આ પ્રેમને ખૂબ જ મિસ કરીશ. આજે મેં શેરીઓમાં જે દૃશ્ય જોયું તે હું ક્યારેય ભૂલીશ નહીં.


જસપ્રિત બુમરાહ- આજે મેં જે પણ જોયું, મેં આ પહેલાં આવું કંઈ જોયું નથી. મારી અત્યારે નિવૃત્તિ લેવાની કોઈ ઈચ્છા નથી. મારી નિવૃત્તિ હજુ દૂર છે, આ તો માત્ર શરૂઆત છે.


મરીન ડ્રાઈવ ખાતે ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું


ટીમ ઈન્ડિયા જ્યારે મુંબઈ એરપોર્ટથી મરીન ડ્રાઈવ પર પહોંચી તો લોકોનો જમાવડો જોઈને કોઈ પણ દંગ રહી ગયું હશે. વાનખેડે સ્ટેડિયમના રસ્તાનો નજારો એવો હતો કે એક તરફ પાણીનો દરિયો હતો અને બીજી તરફ જમીન પર ફેન્સનો જમાવડો.  મરીન ડ્રાઈવ પર હજારો લોકો એકઠા થયા હતા. ટીમ ઈન્ડિયા આ ભીડમાંથી પસાર થતી વાદળી રંગની ખુલ્લી બસમાં સવાર થઈ અને તેના તમામ ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારી. આ કાર્યક્રમ જોવા માટે રોહિત શર્માનો પરિવાર પણ વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો.


સવારે જ બારબાડોસથી દિલ્હી પહોંચ્યા 


તમને જણાવી દઈએ કે 'બેરિલ' નામના ચક્રવાતી તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ઘણા દિવસોથી બારબાડોસમાં ફસાઈ હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ અને સમગ્ર સ્ટાફ માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 16 કલાકની મુસાફરી બાદ આખરે ભારતીય ટીમ ગુરુવારે સવારે દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરી હતી. ત્યારપછી ટીમને મૌર્ય હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે નાસ્તો કર્યો હતો. પીએમ મોદી સાથે તમામ ખેલાડીઓએ  ફોટોશૂટ પણ કરાવ્યું હતું.