ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ હવે 'યો-યો ટેસ્ટ' અને 'ડેક્સા સ્કેન'માંથી પસાર થવું પડશે. જે આ ટેસ્ટમાં ફેલ થશે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. આ નિર્ણય વર્લ્ડ કપ ટુર્નામેન્ટની તૈયારીઓને લઈને લેવામાં આવ્યો છે.


BCCIએ ગયા રવિવારે એક બેઠક બોલાવી હતી જેમાં ખેલાડીઓની ફિટનેસને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત હવે યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનને હવે ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યા છે.


ગત T20 વર્લ્ડ કપમાં મળેલી હાર, એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન અને બાંગ્લાદેશમાં રમાયેલી ODI શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શનને જોતા હવે આ ફિટનેસ ટેસ્ટને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ખેલાડીઓમાં કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે.


તેથી જ BBCIએ આ ખેલાડીઓની ફિટનેસ સાથે કોઈ બાંધછોડ ન કરવાનો નિર્ણય લીધો છે અને તેને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની સમીક્ષા બેઠકમાં યો-યો ટેસ્ટ અને ડેક્સા સ્કેનનો નિર્ણય લેવામાં આવ્યો છે.


જોકે આ નિયમ નવો નથી. ખેલાડીઓને અગાઉ પણ આ ટેસ્ટમાંથી પસાર થવું પડતું હતું પરંતુ કોરોના મહામારી દરમિયાન તેમના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને દૂર કરવામાં આવી હતી.


હવે ફરી એકવાર તેને જરૂરી બનાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટ શું છે? અને આની ભારતીય ક્રિકેટ ટીમ પર શું અસર પડી શકે છે.


યોયો ટેસ્ટ શું છે?


ભારતીય ક્રિકેટમાં યો-યો ટેસ્ટ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય છે. તેને ઇન્ટરમિટન્ટ રિકવરી ટેસ્ટ (યો-યો ટેસ્ટ) કહેવામાં આવે છે. તે એક રીતે બીપ ટેસ્ટ જેવું છે, જેમાં ખેલાડીઓએ બે સેટ વચ્ચે દોડવાનું હોય છે. તે સેટનું અંતર લગભગ 20 મીટર છે જે એક પિચ જેટલું છે.


આ ટેસ્ટ પાસ કરવા માટે ખેલાડીએ પહેલા સેટથી બીજા સેટ સુધી દોડીને પાછા આવવું પડે છે. બંને સેટનું અંતર પૂર્ણ કર્યા પછી, તેને શટલ તરીકે ગણવામાં આવે છે. દરેક શટલ પછી, દોડવાનો સમય ઓછો થાય છે પરંતુ તેનું અંતર ઘટતું નથી.


આ કસોટી પાંચમા લેવલથી શરૂ થાય છે અને 23મા લેવલ સુધી ચાલુ રહે છે. આ ટેસ્ટ પાસ કરવા માટે ખેલાડીઓને 23માંથી ઓછામાં ઓછા 16.5 સ્કોર કરવાની જરૂર છે.


આ ટેસ્ટ વર્ષ 1990માં ડેનિશ ફૂટબોલ ફિઝિયોલોજિસ્ટ ડૉ. જેન્સ બેંગ્સબો દ્વારા શરૂ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ શંકર બાસુએ વર્ષ 2017માં પ્રથમ વખત આ ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવવાનો નિયમ શરૂ કર્યો હતો.


ઘણા ખેલાડીઓ ટેસ્ટમાં નાપાસ થયા છે


આ પહેલા પણ ઘણા મોટા ખેલાડીઓ યો-યો ટેસ્ટમાં ફેલ થયા છે. આ ખેલાડીઓમાં યુવરાજ સિંહ, અંબાતી રાયડુ, સુરેશ રૈના, મોહમ્મદ શમી, સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પહેલા IPL માટે પણ યો-યો ટેસ્ટ પાસ કરવી જરૂરી બનાવવામાં આવી છે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રહેલા તમામ ખેલાડીઓએ ટીમમાં રમતા પહેલા યો-યો ટેસ્ટ પાસ કરવી પડશે. જો તે પાસ નહીં થાય તો તે IPL પણ રમી શકશે નહીં.


ડેક્સા સ્કેન શું છે?


ડેક્સા સ્કેન એ માનવ શરીરના હાડકાંની રચના અને સ્થિતિ જાણવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ છે. આ પણ એક પ્રકારનો ફિટનેસ ટેસ્ટ છે. જે અંતર્ગત વ્યક્તિના શરીરની ચરબી, હાડકાની મજબૂતી, પાણીનું પ્રમાણ તપાસવામાં આવે છે.


ડેક્સા સ્કેન એ એક પ્રકારનો ફિટનેસ ટેસ્ટ છે જેમાં વ્યક્તિના શરીરની ચરબી, હાડકાની મજબૂતાઈ, શરીરમાં પાણીનું પ્રમાણ તપાસવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં થોડા વર્ષો પહેલા તેનો અમલ કરવામાં આવ્યો હતો. જો કે, કેટલીક તકનીકી સમસ્યાઓ અને કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવામાં આવ્યું હતું.


પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ખેલાડીઓમાં સાંધાના દુખાવા અને હાડકાની સમસ્યાની ફરિયાદો જોવા મળી રહી છે. જેને જોતા આ ડેક્સા સ્કેન ફરી એકવાર નિયમમાં ઉમેરવામાં આવ્યું છે.


ડેક્સા સ્કેન સામાન્ય રીતે દસ-મિનિટની કસોટી છે જે શરીરની ચરબી અને સ્નાયુ સમૂહને માપે છે. આ ટેસ્ટની મદદથી શરીરના હાડકાં કેટલા મજબૂત છે, તેની તપાસ કરવામાં આવે છે અને તેની સાથે હાડકામાં રહેલા કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ વિશે પણ માહિતી મળે છે.