Team India, World Cup 2023: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં ચાલી રહ્યો છે. 2023 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. ભારતીય ટીમ 8 મેચમાં 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને પડકાર આપી શકી નથી. ભારતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત તમામ ટીમો સામે એકતરફી જીત નોંધાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે 2023ના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા કોઈ એક કે બે ખેલાડીઓ પર નિર્ભર નથી, પરંતુ ટીમના 10 ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ 10 ખેલાડીઓના આંકડા ખરેખર આશ્ચર્યજનક છે.


વિરાટ કોહલી- 
આ વર્લ્ડકપમાં બે સદી ફટકારનાર વિરાટ કોહલી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. બે વખત તે સદી ચૂકી ગયો અને બે વખત તેને ત્રણ આંકડાનો સ્કૉર પણ બનાવ્યો છે. કોહલીએ બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 543 રન બનાવ્યા છે.


રોહિત શર્મા- 
આ વર્લ્ડકપમાં રોહિત શર્માનું ફૉકસ ટીમને તોફાની શરૂઆત અપાવવા પર છે. રોહિત પાવરપ્લેમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે. આ સાથે બાકીના ખેલાડીઓ સ્થાયી થવામાં સમય લે છે અને પછી મોટી ઇનિંગ્સ રમે છે. રોહિતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 442 રન બનાવ્યા છે. જોકે, તે બે વખત સદી ફટકારવામાં ચૂકી ગયો છે.


શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને શુભમન ગીલ 
હકીકતમાં, ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે આ વર્લ્ડકપમાં વધુ રન બનાવ્યા છે. તેમ છતાં જ્યારે ટીમને તેની જરૂર હતી, ત્યારે મિડલ ઓર્ડરે સંપૂર્ણ સમર્થન આપ્યું છે. કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 97 રનની અણનમ ઇનિંગ રમીને જીત મેળવી હતી જ્યારે શ્રેયસ અય્યરે પણ સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે મહત્વની ઇનિંગ રમી હતી. રાહુલના નામે અત્યાર સુધી 245 રન છે અને અય્યરના નામે અત્યાર સુધી 293 રન છે. શુભમન ગીલે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 219 રન બનાવ્યા છે.


રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ 
રવિન્દ્ર જાડેજા આ ટૂર્નામેન્ટમાં બૉલ અને બેટ બંનેથી મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. જાડેજાએ સાઉથ આફ્રિકા સામે ઝડપી રન બનાવ્યા હતા. જ્યારે જરૂર પડી ત્યારે તેણે ન્યૂઝીલેન્ડ સામે કોહલીને સારો સાથ આપ્યો અને મેચ જીતી લીધી. જાડેજાએ અત્યાર સુધીમાં 14 વિકેટો અને 100થી વધુ રન બનાવ્યા છે. જ્યારે કુલદીપ યાદવે 12 વિકેટ ઝડપી છે.


સિરાજ, શમી અને બુમરાહ 
ભારતની સૌથી મજબૂત કડી તેનું ઝડપી બૉલિંગ આક્રમણ છે. શમી અત્યાર સુધી માત્ર ચાર મેચ રમ્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે બે વાર પોતાનો પંજો ખોલ્યો. શમીના નામે ચાર મેચમાં 16 વિકેટ છે. અત્યાર સુધી બુમરાહે 15 અને સિરાજે 10 વિકેટ ઝડપી છે.