Shubman Gill On Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટમાં શમાવવાને લઈને અટકળો તેજ બની છે ત્યારે ભારતીય ટીમમાં સ્થાન બનાવવા ઝઝુમી રહેલા આક્રમક બેટ્સમેન શુભમન ગીલે પૂર્વ કપ્તાન ધોનીને લઈને એક રસપ્રદ અને હિંમત વધારતી એક ઘટના જણાવી હતી. ગિલે કહ્યું હતું કે, ધોનીએ મને પોતાનો અનુંભવ જણાવી મને પ્રોત્સાહિત કર્યો હતો.   


ધોની મારી પાસે આવ્યો અને.... 


ગિલે કહ્યું  હતું કે, ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામેની ODI મેચમાં મેં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે મેચમાં હું 21 બોલમાં 9 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ વનડે મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શુભમન ગિલે કહ્યું હતું કે, હું સસ્તામાં આઉટ થયા બાદ ખૂબ જ નિરાશ થયો હતો, પરંતુ મેચ બાદ પૂર્વ  કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મારી પાસે આવ્યો અને મારી સાથે વાતચીત કરીને મને પ્રોત્સાહિત કર્યો હતો. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ શુભમન ગિલ સાથે તેની ડેબ્યૂ મેચની સ્ટોરી શેર કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ શુભમન ગિલને કહ્યું હતું કે, મારું ડેબ્યૂ તારા કરતા પણ ખરાબ હતું. માહીએ ગિલ સાથે તેના ડેબ્યૂ સાથે જોડાયેલી વાતો પણ શેર કરી હતી.


ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2004માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ધોની એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલે કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ સામેની મારી ડેબ્યૂ મેચમાં 15 રન પર આઉટ થયા બાદ હું ખૂબ જ નિરાશ થયો હતો, તે સમયે મારી ઉંમર 18-19 વર્ષ હતી. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની મારી પાસે આવ્યો અને મને પ્રોત્સાહન આપ્યું હતું અને મારી હિંમત વધારી હતી. ધોનીએ મને યાદ અપાવ્યું હતું કે તે તેની ડેબ્યૂ મેચમાં જ શૂન્ય પર આઉટ થયો હતો.


ધોનીને ટી20 ટીમમાં થઈ શકે છે એન્ટ્રી


ધોનીને ભારતીય T20 ટીમમાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. માનવામાં આવે છે કે, ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન રમીને ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે અને BCCI આ તક ગુમાવવા માંગતું નથી. ધોની આ રમતને સારી રીતે સમજે છે અને તે આ ફોર્મેટ માટે ખેલાડીઓને સારી રીતે તૈયાર કરી શકે છે. ધોનીને ટીમનો ડાયરેક્ટર ઓફ ક્રિકેટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જો તે આવશે તો તેને કેટલાક એવા ખેલાડીઓ સોંપવામાં આવશે જેમને તૈયાર કરવાની જવાબદારી તેની પોતાની રહેશે.