Women's Asia Cup 2022 Final: મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે. ગુરુવારે ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં થાઇલેન્ડને હરાવ્યું હતું, જ્યારે બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ફાઇનલ મેચ રમાશે. પાકિસ્તાન-શ્રીલંકા મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 122 રન બનાવ્યા અને પાકિસ્તાનને 20 ઓવરમાં છ વિકેટે 121 રન જ બનાવ્યા હતા અને 1 રનથી પાકિસ્તાન મેચ હારી ગયું હતું.


રોમાંચક મેચમાં શ્રીલંકાનો 1 રનથી વિજયઃ


પાકિસ્તાનની મહિલા ટીમને છેલ્લા બોલે જીતવા માટે ત્રણ રનની જરૂર હતી, પરંતુ નિદા ડાર બીજો રન દોડવાનો પ્રયાસ કરતાં રન આઉટ થઈ હતી. નિદા ડારે 26 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી બિસ્માહ મરૂફે 41 બોલમાં 42 રન અને ઓપનર મુનીબા અલીએ 10 બોલમાં 18 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના સ્કોરમાં 12 એક્સ્ટ્રા રનનું પણ યોગદાન રહ્યું, પરંતુ આ એક્સટ્રા રનથી પણ પાકિસ્તાની ટીમ  જીતી શકી નહોતી. આ અત્યંત રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ફાઇનલમાં ભારત સામે શ્રીલંકાઃ


શ્રીલંકા માટે ઇનોકા રણવીરાએ ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી હતી. રણવીરાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા શ્રીલંકા તરફથી હર્ષિતા સમરવિક્રમાએ 41 બોલમાં 35 અને અનુષ્કા સંજીવનીએ 21 બોલમાં 26 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નશરા સંધુએ 17 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. મહત્વપૂર્ણ છે કે મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શનિવારે ભારત અને શ્રીલંકાની ટીમો સામસામે ટકરાશે. ભારતીય મહિલા ટીમે થાઈલેન્ડને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે.


પ્રથમ સેમીફાઈનલમાં ભારતની ટીમે થાઈલેન્ડની ટીમને હરાવી હતીઃ


પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં થાઈલેન્ડની ટીમ 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા અને એક મેડન ઓવર પણ કાઢી.


ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ તરફથી નટ્ટાયા બાઉચથમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. તેણે 29 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કેપ્ટન નરુમોલ ચાઈવાઈએ 41 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ બંને સિવાય કોઈ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યું નથી.