શનિવારે શિખર ધવને સોશિયલ મીડિયા પર પક્ષીઓને દાણા ખવડાવતો હોય તેવી તસવીરો શેર કરી હતી. આ તસવીરો વાયરલ થતા વારાણસી જિલ્લાએ આ મામલે નોંધ લીધી છે અને વારાણસીના ડીએમ કૌશલ રાજ શર્મા હોડીના સંચાલક પર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
કૌશલે રાજ શર્માએ જણાવ્યું કે, જે હોડીમાં શિખર ધવન સવારી રહ્યો હતો તે નાવિક પર પણ કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે. ધવનને નિયમોની જાણકારી નહીં હોય પરંતુ નાવિકને હતી. તેણે જણાવવું જોઈતું હતું. ડીએમ એ વધુમાં જણાવ્યું કે બર્ડ ફ્લૂ દરમિયાન વિદેશી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ છે. પરંતુ ધવને પોતાના ઓફિસિયલ ટ્વિટર પર તસવીરો શેર કરી છે જેમાં તે દાણા ખવડાવતો નજર આવી રહ્યો છે. એવામાં તસવીરની તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે દશાશ્વમેઘ પોલીસે નાવિક પ્રદીપ સાહની અને હોડી ચલાવનાર સોનૂને કલમ 188 અંતર્ગત દંડ ફટકાર્યો છે. સાથે જ કડક પગલા લેતા તેના પર હોડી ચલાવવા પર 3 દિવસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બર્ડ ફ્લૂના કારણે ડીએમ કૌશલરાજ શર્માએ ગત 11 જાન્યુઆરીએ ગંગા નદીમાં પ્રવાસી પક્ષીઓને દાણા ખવડાવવા પર પ્રતિબંધ લગાવતા નગર નિગમ અને જળ પોલીસને તેના પર દેખરેખ રાખવાના નિર્દેશ આપ્યા હતા.