મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ક્રિકેટરોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાય તો ત્રીજ ટેસ્ટમાં ના રમી શકે એવું પણ બને. રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સેની એ પાંચ ક્રિકેટરો એક ભારતીય ક્રિકેટ ચાહકના કારણે ફસાઈ ગયા છે.


આ તમામ ક્રિકેટરો નવા વર્ષના દિવસે મેલબોર્નની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક ક્રિકેટ ફેન નવદીપસિંહ પણ તેમની સાથે ગયો હતો. આ ક્રિકેટરોનુ બિલ પણ નવલદીપ સિંહે જ ચૂકવ્યું હતુ. એ પછી તેણે પોતાની અને ખેલાડીઓની તસવીર તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં ઘટના વાયરલ થઈ હતી. નવદીપસિંહે બિલની નકલ પણ મૂકતાં ઓસ્ટ્રેલિયાના મીડિયાએ હોબાળો મચાવી દેતાં તપાસ શરૂ થઈ છે.

ભારતીય ટીમે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ રમવાની છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈન તોડવાના આરોપ મૂકાયા છે. આ પ્રકારનુ વર્તન ઓસ્ટ્રેલિયાના નિયમો પ્રમાણે કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન છે. આ ગાઈડલાઈન પ્રમાણે ક્રિકેટરો બહાર રેસ્ટોરન્ટમાં જમી શકે છે પણ તેમણે આઉટડોર એટલે કે બહાર બેસીને ભોજન કરવાનુ હોય છે જ્યારે પાંચે ક્રિકેટરોએ રેસ્ટોરન્ટમાં અંદર બેસીને ભોજન કર્યુ હતુ. આ વાતને રેસ્ટોરન્ટના સ્ટાફે પણ સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી આ મામલે હજી કોઈ નિવેદન આવ્યુ નથી પણ શક્ય છે કે, આ પાંચે ક્રિકેટરનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવે અને તેમને ક્વોરેન્ટાઈન કરી દેવાય. ભારતીય ટીમ માટે બનાવાયેલી બાયો બબલ ગાઈડલાઈન હેઠળ તેમને 14 દિવસ પછી બહાર નિકળવા કહેવાય એવી શક્યતા છે.

(ફાઇલ તસવીર)