India Women U19 vs New Zealand Women U19: ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની અંડર-19 મહિલા ટીમે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી શ્વેતા સેહરવતે તોફાની બેટિંગ કરી હતી. તેણે 10 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ભારતીય ટીમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ Dમાં છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સેમિફાઇનલમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી. હવે ભારતીય ટીમ 29 જાન્યુઆરીએ ફાઇનલ મેચ રમશે.
ન્યુઝીલેન્ડે બનાવ્યા 107 રન
પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની અંડર-19 મહિલા ટીમે 20 ઓવરમાં 107 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે જ્યોર્જિયા પ્લિમરે સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. તેણે 32 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન ભારત તરફથી પાર્શ્વી ચોપરાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 20 રન આપીને મેડન ઓવર લીધી. કેપ્ટન શેફાલી વર્માએ ખતરનાક બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને એક વિકેટ લીધી હતી.
ભારતે 14.2 ઓવરમાં પાર પાડ્યો ટાર્ગેટ
ન્યુઝીલેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શેફાલી અને શ્વેતા ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન શેફાલી 10 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે શ્વેતાએ ઝડપી બેટિંગ કરતાં અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા. સૌમ્યા તિવારીએ 26 બોલનો સામનો કરીને 22 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રિશા 5 રન બનાવીને અણનમ રહી હતી.