Umran Malik Debut T20I Match Ireland vs India Dublin: ટીમ ઈન્ડિયાએ ઉમરાન મલિકને ડબલિનમાં રમાનારી આયર્લેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ઉમરાન (Umran Malik) આ મેચથી પોતાનું ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરશે. ઉમરાન એક ઝડપી બોલર છે અને તેણે IPL 2022 દરમિયાન પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના ઉમરાન પર વિશ્વાસ વ્યક્ત કરતા કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. તેનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો રહ્યો છે. ત્યારે આજે BCCIએ આજે ઉમરાન મલિકના ડેબ્યુ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી.


ઉમરાન IPL 2022માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ હતો. તેણે આ સિઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ તોડ્યો હતો. ઉમરાનનું બોલિંગ પ્રદર્શન સારું રહ્યું છે. તેણે અત્યાર સુધી રમાયેલી 22 T20 મેચોમાં 33 વિકેટ લીધી છે. જ્યારે તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 5 ઇનિંગ્સમાં 7 વિકેટ ઝડપી છે. તેણે લિસ્ટ Aમાં પણ એક મેચ રમી છે. હવે તે પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.


ભારતીય ટીમ આયર્લેન્ડના પ્રવાસે છે અને અહીં બે મેચની T20 શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ઉમરાનની સાથે અન્ય ઘણા યુવા ખેલાડીઓને સામેલ કર્યા છે. પરંતુ પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર ઉમરાનને જ સ્થાન આપવામાં આવ્યું છે. તેને ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી ભુવનેશ્વર કુમારે ડેબ્યૂ કેપ આપી હતી. આ દરમિયાન ટીમના ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફ પણ હાજર હતો.