આની સાથે જ ધવન આઇપીએલમાં સતત બે સદી ફટકારનારો પહેલો ખેલાડી બની ગયો છે, પરંતુ ટી20 ફોર્મેટમાં સતત બે ઇનિંગમાં બે સદી ફટકારનારો પહેલો ભારતીય નથી. ધવનથી પહેલા આ કારનામુ એક ભારતીય બેટ્સમેન કરી ચૂક્યો છે, જેનુ નામ છે ઉનમુક્ત ચંદ. ભારતીય અંડર-19 ટીમને વર્ષ 2013માં વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટને સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં સતત બે સદી ફટકારી હતી. આ સાથે તે ટી20માં સતત બે મેચમાં સદી ફટકારનારો પહેલો ભારતીય બની ગયો હતો, ધવન આ લિસ્ટમાં બીજા નંબર પર છે.
વળી, ટી20 ક્રિકેટમાં સૌથી પહેલા સતત બે સદી બનાવનારા ખેલાડીની વાત કરીએ તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે ન્યૂ સાઉથ વેલ્સ બ્લૂસ માટે રમતા 2011ની ચેમ્પિયન લીગ દરમિયાન ચેન્નાઇ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ સતત બે સદી ફટકારી હતી.
આ ઉપરાંત ઇંગ્લેન્ડની ટી20 બ્લાસ્ટમાં બે ખેલાડીઓ આ કીર્તિમાન હાંસલ કરી ચૂક્યા છે. ટી20 બ્લાસ્ટની 2014 સિઝનમાં લ્યૂક રાઇટ અને 2015માં માઇકલ ક્લિન્ગર આ કારનામુ કરી ચૂક્યા છે. સાથે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન કેવિન પીટરસને દક્ષિણ આફ્રિકાની રેમ સ્લેમ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન સતત બે સદી લગાવી હતી. વર્ષ 2018માં આ ટૂર્નામેન્ટ દરમિયાન માર્કો મરાઇસ અને રીજ હેંડ્રિક્સે પણ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.