Viral Video: ન્યુઝિલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં એક હાસ્યાસ્પદ બનાવ બન્યો હતો. આ ટેસ્ટ મેચના બીજા દિવસે મેચ જોવા આવેલા એક શખ્સને પોલીસે દોડાવ્યો હતો કારણ કે, આ વ્યક્તિ યુકેના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન જેવા કપડાં પહેરીને તેમના જેવો જ પહેરવેશ ધારણ કરીને આવ્યો હતો. પોલીસનું ધ્યાન આ શખ્સ પર પડતાં પોલીસ તેની પાછળ પડી હતી અને ત્યાર બાદ પોલીસે સ્ટેન્ડ આગળથી આ શખ્સને ભગાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર ક્રિકેટ ફેન્સે બનાવ્યો હતો જે હવે વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના ઈંગ્લેન્ડમાં આવેલા હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે, મેચ જોવા આવેલા દર્શકો વચ્ચે એક શખ્સ યુનાઈટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન જેવો જ દેખાઈ રહ્યો છે. હકિકતમાં આ શખ્સે બોરીસ જોન્સન જેવા વાળ અને કપડાં પહેર્યાં હતાં. આ સાથે તેણે વ્હાઈટ શર્ટની પાછળ લખ્યું હતું કે, Please vote Boris 4 No. 10. આ વ્યક્તિ પર પોલીસની નજર પડતાં પોલીસ તેની પાછળ પડી હતી. વીડિયોમાં જોવા મળે છે કે, પોલીસ આ શખ્સનો પીછો કરી રહી છે અને તે શખ્સ પોલીસની મજા લઈ રહ્યો છે.
એક મીડિયા અહેવાલ મુજબ આ શખ્સ યુકેના જાણીતા 'પાર્ટીગેટ સ્કેન્ડલ'ને અનુલક્ષીને આ રીતે પ્રધાનમંત્રીના વેશમાં આવ્યો હતો. પાર્ટીગેટ સ્કેન્ડલમાં પ્રધાનમંત્રી બોરીસ જોન્સનનું નામ આવ્યું હતું. કોરોના મહામારી વખતે પ્રધાનમંત્રી બોરીસ જોન્સને નિયમોનું ઉલ્લંઘન કરીને પાર્ટીનું આયોજન કર્યું હતું જેને લઈ તેઓ વિવાદમાં પણ આવ્યા હતા.