Bhuvneshwar Kumar: ગઈકાલે આયરલેન્ડ સામે ભારતની ટી20 સીરીઝની પહેલી મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતે આયરલેન્ડને હરાવ્યું હતું. આ સાથે આ મેચમાં ભારતના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પોતાનું ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યુ પણ કર્યું હતું. જો કે, ઉમરાન મલિક આ મેચમાં કંઈ ખાસ કરી નહોતો શક્યો. આ દરમિયાન મેચમાં ભારતની બોલિંગ ચાલી રહી હતી ત્યારે એક ચોંકાવનારી ઘટના બની હતી. 

Continues below advertisement


અખ્તરનો રેકોર્ડ તુટ્યો?
ક્રિકેટ જગતના ઈતિહાસમાં સૌથી વધુ ઝડપે ફાસ્ટ બોલિંગ કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બનાવ્યો છે. શોએબ અખ્તરે 161.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અત્યાર સુધી અખ્તરના આ રેકોર્ડની બરાબરી કોઈ બીજો ફાસ્ટ બોલર નથી કરી શક્યો. પરંતુ ગઈકાલે આયરલેન્ડ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે 208 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ભુવનેશ્વર કુમારની આ સ્પિડની બોલિંગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે મજા લીધી હતી. 






સ્પિડોમીટરની ખામી સર્જાઈ હતીઃ
રવિવારે રાત્રે ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચેની T20 મેચમાં, જ્યારે મેચના પ્રથમ બોલની ઝડપ 201 km/h માપવામાં આવી ત્યારે દરેકને આશ્ચર્ય થયું. આ બોલ ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ફેંક્યો હતો. એટલું જ નહીં, આ ઓવરમાં બીજા બોલની સ્પીડ 208 કિમી પ્રતિ કલાકની અંદાજવામાં આવી હતી. સ્પીડોમીટરમાં ટેક્નિકલ ખામીના કારણે આ બોલની સ્પીડ 200થી વધુ આવી રહી હતી. આવી સ્થિતિમાં, સ્પીડોમીટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.