Viral Video: ભારતમાં ક્રિકેટ જાણે રાષ્ટ્રીય રમત બની ગઈ હોય તેવુ લાગે છે. ભારતમાં વર્ષોથી ક્રિકેટને પ્રાધાન્ય આપવામાં આવે છે. મેદાનની સાથો સાથ ગલીમાં પણ ક્રિકેટનો ભારે ક્રેઝ હોય છે. ક્રિકેટ રમવાના મામલે હવે છોકરીઓ પણ છોકરાથી સહેજ પણ ઉતરતી કક્ષાની નથી રહી ગઈ. તાજેતરમાં જ વુમન્સ પ્રિમિયમ લીગની હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ભારતીય મહિલા ખેલાડીઓની હરાજી કરોડો રૂપિયામાં થઈ હતી. શહેર તો શહેર પણ હવે ગામડામાં પણ છોકરીઓ ક્રિકેટમાં ધમાલ મચાવી રહી છે. તેનો પુરાવો આપતો એક વીડિયો તાજેતરમાં જ સામે આવ્યો છે. જેમાં એક શાળાની છોકરી માટીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહી છે અને શાનદાર ચોગ્ગા છગ્ગા ફટકારી રહી છે. 


આ ઘટના રાજસ્થાનની છે. વીડિયોમાં બેટિંગ કરી રહેલી છોકરી માત્ર 14 વર્ષની છે. તેનું નામ મુમલ મેહર છે. તે શુભમન ગિલ જેવો ઝડપી રમે છે. સૂર્ય કુમાર યાદવની જેમ 360 ડિગ્રી શોટ પણ મારી શકે છે. તેની ધમાકેદાર બેટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્ય જનક વાત તો એ છે કે, આ વીડિયો ટ્વિટર પર ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પણ શેર કર્યો છે. 


મુમલ મેહર રાજસ્થાનના બાડમેરના શેરપુરા કનાસરની છે. જે એક નાનકડુ ગામ છે. તેને ક્રિકેટ રમવાનો શોખ છે. વાયરલ વીડિયોમાં તેની ઓળખ જોઈ શકાય છે, જેમાં માત્ર 34 સેકન્ડની બેટિંગ લોકોના દિલ જીતી રહી છે. મૂમલ ગામમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમે છે. મૂમલ મેહર આઠમા ધોરણનો વિદ્યાર્થિની છે. દરરોજ શાળાએથી પાછા ફર્યા બાદ તે ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમે છે. જ્યારે તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના બેટિંગના વીડિયો શેર કરે છે જે તે વાયરલ થઈ રહ્યા છે.






ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો બાડમેરની ક્રિકેટ ખેલાડી મુમલ મેહરે 31 જાન્યુઆરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં તે દરેક બોલ પર ચોગ્ગા અને છગ્ગા મારતી જોવા મળે છે. માત્ર બેટિંગ જ નહીં પરંતુ મુમાલ બોલિંગ પણ જબરદસ્ત છે. 


મુમલની મોટી બહેન અનીસા અંડર-19 રમી હતી 


જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મુમલ મેહરના પિતા મથર ખાન એક ખેડૂત છે. મુમલની મોટી બહેન અનીસા પણ ક્રિકેટર છે. અનીસા અંડર 19 ક્રિકેટ પણ રમી ચૂકી છે. મુમલ અભ્યાસ અને ઘરના કામકાજ સાથે તેની રમતની પ્રતિભાને પણ નિખારી રહી છે.


બાડમેરના સાંસદે પણ વીડિયો શેર કર્યો


બાડમેર-જેસલમેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ પણ મુમલ મેહરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, 'મ્હારી છોરિયાં, છોરોં સે કમ હૈ કે.' જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે- અદ્ભુત પ્રતિભા, જો આ છોકરીને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મળે તો તે દેશની મહાન બેટ્સમેન બની શકે છે.