ભારતની ટી-20 ટીમ ધીરે ધીરે સંપૂર્ણપણે નવી બની રહી છે. ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓને વર્કલોડ અથવા ઉંમરના કારણે બહાર બેસાડવામાં આવી રહ્યા છે. પસંદગીકારોએ આ ફોર્મેટમાં વધુને વધુ યુવા ખેલાડીઓને તક આપવાનો નિર્ણય કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમથી આ વાત સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આવી સ્થિતિમાં સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટી-20 કારકિર્દી ખતમ માનવામાં આવી રહી છે.


ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકરને BCCI દ્વારા મંગળવારે, 4 જૂલાઈએ જ નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક દિવસ પછી જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટી20 શ્રેણી માટે ટીમની પસંદગી કરી હતી. આ ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમમાંથી અનેક સિનિયરોના નામ ગાયબ છે.


ગયા વર્ષે ICC T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિતના અન્ય સિનિયર ક્રિકેટરો માટે ટી-20 ટીમના દરવાજા બંધ થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આની શરૂઆત ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના કાર્યકાળ દરમિયાન કરાઇ હતી. અજિત અગરકરે આ સ્થિતિને આગળ વધારી હતી.


ઑસ્ટ્રેલિયામાં 2022 આઇસીસી ટી-20 વર્લ્ડ કપ રમાયો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે આ ફોર્મેટમાં રમતા જોવા નહીં મળે. છેલ્લી વખત બંને નવેમ્બરમાં વર્લ્ડકપમાં રમ્યા હતા અને ત્યારથી રોહિત અને વિરાટને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.


હવે તેને વર્કલોડ કહો કે બીજું કંઈક કહો પરંતુ સત્ય એ છે કે છેલ્લા 8 મહિનાથી ટી-20 ટીમની પસંદગી કરતી વખતે પસંદગીકારોની નજર રોહિત શર્મા કે વિરાટ કોહલી પર નથી. બંને આ ફોર્મેટમાં છેલ્લી વખત 10 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ મેચમાં રમ્યા હતા.


રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ ટી20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જેથી એકદમ સ્પષ્ટ છે કે પસંદગીકારો તેને ટીમમાં સ્થાન આપવાનું વિચારી રહ્યા નથી. 2022 T20 વર્લ્ડ કપ પછી ભારત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ફરીથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે રમ્યું છે. આ ત્રણેય સીરિઝ અને હવે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરિઝ માટેની ટીમમાં પણ બંને દિગ્ગજ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા નથી.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial