વર્લ્ડ કપ (CWC 2023) ની 37મી મેચ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ બેટિંગ કરવા આવેલા રોહિત શર્માએ આવતાની સાથે જ શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિતે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા પરંતુ તેણે રબાડાને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતની વિકેટ પડ્યા બાદ બર્થડે બોય વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.


વિરાટ કોહલીએ સૌપ્રથમ શુભમન ગિલ સાથે ઈનિંગ્સને આગળ વધારી અને શુભમન અને વિરાટ વચ્ચે 31 રનની ભાગીદારી થઈ. શુભમન ગિલ 23 રન બનાવીને મહારાજનો શિકાર બન્યો હતો પરંતુ બીજા છેડે વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે તેની વર્લ્ડ કપ કારકિર્દીમાં એક મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પોતાના 1500 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા 1500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરના નામે 45 મેચમાં 2278 રન, રિકી પોન્ટિંગના નામે 46 મેચમાં 1743 રન અને કુમાર સંગાકારાના નામે 37 મેચમાં 1532 રન છે.


આ વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે શાનદાર ચાલી રહ્યો છે, તેણે અત્યાર સુધીમાં ખૂબ જ શાનદાર રન બનાવ્યા છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આજે તેની સદી પૂરી કરી  સચિન તેંડુલકરની ODI ક્રિકેટમાં સૌથી વધુ 49 સદીની બરાબરી કરી છે.   


ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.   કોહલી પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમે 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અહીં રોહિત 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.