Virat Kohli gifts bat to Shakib Al Hasan: કાનપુરમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચ બાદ વિરાટ કોહલીએ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને એક બેટ ભેટમાં આપ્યું હતું જેના પર તેણે પોતાની સાઇન કરી હતી. શાકિબે તેની કારકિર્દીમાં 14,000થી વધુ રન અને 700થી વધુ વિકેટ પણ લીધી છે.


કાનપુર ટેસ્ટની શરૂઆત પહેલા શાકિબ અલ હસને કહ્યું હતું કે જો સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે તેની પસંદગી નહીં થાય તો ભારત સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ તેની છેલ્લી ટેસ્ટ મેચ હશે. ભારતની જીત બાદ મેચ પોસ્ટ પ્રેઝન્ટેશન થઈ રહ્યું હતું, જ્યારે વિરાટ કોહલી શાકિબ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોહલીએ શાકિબને પોતાનું બેટ ગિફ્ટ કર્યું હતું. શાકિબની વાત કરીએ તો તેણે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી.






શાકિબની વિવાદિત રિટાયરમેન્ટ સ્પીચ 


શાકિબ અલ હસન થોડા મહિના પહેલા બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારમાં સાંસદ હતા. જે બાદ તેમના પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન રૂબેલ નામની વ્યક્તિની હત્યાનો પણ આરોપ છે. આવી સ્થિતિમાં કાનપુર ટેસ્ટ મેચ પહેલા શાકિબે કહ્યું હતું કે, "હું દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં રમવા માટે ઉત્સુક છું, પરંતુ આ દિવસોમાં બાંગ્લાદેશમાં ઘણું બધું થઈ રહ્યું છે, તેથી આ સમયે વસ્તુઓ મારા હાથમાં નથી." શાકિબે બીસીબીને સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ મીરપુરમાં રમવા માંગે છે પરંતુ બાંગ્લાદેશ પરત ફર્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે તે આફ્રિકા સામેની શ્રેણી રમશે કે નહીં.






વિરાટ કોહલીએ આકાશદીપને પણ બેટ આપ્યું હતું


સીરિઝની બીજી મેચની શરૂઆત પહેલા વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડી આકાશદીપને પણ બેટ ભેટમાં આપ્યું હતું. આકાશદીપે પહેલી ટેસ્ટમાં ખૂબ જ સારી ટેકનિક સાથે બેટિંગ કરતા 17 રન કર્યા હતા. કોહલી પણ તેની બેટિંગ સ્ટાઇલથી ઘણો પ્રભાવિત થયો છે. બીજી ટેસ્ટ મેચમાં તેણે કોહલીના બેટથી બે લાંબી સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા.