India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. દુબઈમાં ICC એકેડમી ખાતે પાકિસ્તાન સામેની મેચની તૈયારી કરી રહેલા વિરાટ કોહલીને પ્રેક્ટિસ સેશન દરમિયાન પગમાં બોલ વાગ્યો હતો, જેના કારણે તે મેદાન છોડીને બહાર જવા માટે મજબૂર થયો હતો.


શુક્રવારે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચના એક દિવસ પહેલા, ભારતીય ટીમે દુબઈમાં ICC એકેડમીમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલી અન્ય ખેલાડીઓ કરતા એક કલાક વહેલો પ્રેક્ટિસ માટે પહોંચ્યો હતો અને નેટ્સમાં સખત મહેનત કરી હતી. જો કે, પ્રેક્ટિસ દરમિયાન એક અણધારી ઘટના બની જ્યારે એક બોલ તેના પગ પર વાગ્યો. બોલ વાગ્યા બાદ વિરાટને પગમાં દુખાવો થતા તે મેદાનની બહાર જતો રહ્યો હતો અને બાઉન્ડ્રી લાઇન પર પગ પર આઈસ પેક લગાવતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી ભારતીય ટીમ અને ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.


જો કે, રાહતના સમાચાર એ છે કે વિરાટ કોહલીની ઈજા ગંભીર નથી. થોડા સમય માટે મેદાનની બહાર રહ્યા બાદ, વિરાટ ફરીથી પ્રેક્ટિસ માટે મેદાનમાં પરત ફર્યો હતો, જેનાથી ટીમ મેનેજમેન્ટ અને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ટીમ ઈન્ડિયાને આશા છે કે વિરાટ કોહલી પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.


ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અગાઉ પણ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર રહ્યો હતો. તે સમયે તે ઘૂંટણની ઈજાથી પીડાઈ રહ્યો હતો.






પાકિસ્તાન સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને ચાહકો આશા રાખી રહ્યા છે કે ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલો આ બેટ્સમેન રવિવારે પાકિસ્તાન સામે મોટી ઇનિંગ્સ રમશે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં 16 મેચમાં 678 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 2 અડધી સદી સામેલ છે.


આ મેચમાં વિરાટ કોહલી પાસે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક પણ છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 298 મેચમાં 13985 રન બનાવ્યા છે અને 14 હજાર રનનો આંકડો પાર કરવા માટે માત્ર 15 રનની જરૂર છે. જો તે આ મેચમાં 15 રન બનાવી લે છે, તો તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર ખેલાડી બની જશે અને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે, જેમણે 359 મેચોની 350મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.


આ પણ વાંચો.....


ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને કર્યો મોટો ભગો: ENG-AUS મેચમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડ્યું, વીડિયો થયો વાયરલ