Virat Kohli T20 World Cup 2022: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માની હોટલના રૂમનો એક વીડિયો લીક થયો છે. આના પર પર્થની હોટેલ ક્રાઉને માફી માંગી છે. આ સાથે જ વીડિયો બનાવનાર અને પછી વીડિયો લીક કરનાર હોટલના કર્મચારીની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે હોટલ ક્રાઉને આ કર્મચારી સામે કાર્યવાહી કરતાં તેને નોકરીમાંથી પણ કાઢી મૂક્યો છે. જણાવી દઈએ કે, હોટલના રુમનો વીડિયો લીક થવા અંગે નારાજગી વ્યક્ત કરતાં કોહલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
વિરાટ કોહલીએ શેર કર્યો હતો વીડિયોઃ
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ પર્થમાં એક ફેન (હોટલના સ્ટાફ) દ્વારા તેમની હોટલની ગોપનીયતાના કથિત ભંગ પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી રવિવારે સાંજે દક્ષિણ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપની સુપર-12 મેચ રમી રહ્યો હતો ત્યારે હોટલના સ્ટાફના જ એક વ્યક્તિએ તેના હોટલના રૂમનો વીડિયો બનાવ્યો હતો. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓને જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે અને તેમને મળવા માંગે છે અને મેં હંમેશા તેની પ્રશંસા કરી છે.
કોહલીએ વધુમાં કહ્યું કે, જો હું મારા હોટલના રૂમને પ્રાઈવેટ નથી રાખી શકતો તો હું કોઈ પણ અંગત જગ્યાની ગોપનીયતા પર કેવી રીતે વિશ્વાસ કરી શકું. મહેરબાની કરીને લોકોની ગોપનીયતાનો આદર કરો અને તેમને મનોરંજનની વસ્તુ તરીકે ના ગણો.