T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઇનલ મેચમાં આજે (10 નવેમ્બર) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ એડિલેડ ખાતે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ શાનદાર મેચમાં ભારતીય ચાહકોને વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની આશા છે. કોહલીએ અત્યાર સુધી વર્તમાન ટૂર્નામેન્ટમાં પાંચ મેચમાં 246 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ સામે તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.
એડિલેડમાં કોહલીનો રેકોર્ડ છે દમદાર
એડિલેડમાં વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટ કોહલીએ એડિલેડ ઓવલમાં કુલ 14 ઇનિંગ્સ રમી છે જેમાં તેણે 75.58ની એવરેજથી 907 રન બનાવ્યા છે. કોહલીએ આ દરમિયાન પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. વર્તમાન T20 વર્લ્ડ કપમાં જ્યારે ટીમ ઈન્ડિયા આ મેદાન પર બાંગ્લાદેશ સામે ટકરાઇ હતી ત્યારે કોહલીએ 44 બોલમાં અણનમ 64 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ રેકોર્ડ્સ જોતા વિરાટ કોહલીને એડિલેડનો કિંગ કહેવો અયોગ્ય નથી.
બાંગ્લાદેશ સામેની મેચ બાદ વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે તેને એડિલેડ ઓવલમાં રમવાનું પસંદ છે. કોહલીનું માનવું હતું કે આ મેદાન તેને ઘર જેવું લાગે છે. કોહલીએ કહ્યું હતું કે, 'મને આ મેદાન પર રમવાનું પસંદ છે. અહીં પ્રવેશતાં જ મને ઘરનો અહેસાસ થાય છે. એમસીજીમાં પાકિસ્તાન સામેની ઇનિંગ્સ મારા માટે મહત્વની છે, પરંતુ જ્યારે હું એડિલેડમાં આવું છું ત્યારે મને મારી બેટિંગનો આનંદ આવે છે.
આ મેદાન પર પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી
વિરાટ કોહલી 2012 થી એડિલેડ ઓવલ સાથે ખાસ સંબંધ છે. તેણે અહીં તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. આ પછી વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 2014-15ની સીરિઝમાં આ મેદાન પર બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી.
બેટ્સમેને 2015ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. એટલું જ નહીં, કોહલીએ 2019માં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં પણ અહીં સદી ફટકારી હતી. ટી-20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો કોહલીએ વર્ષ 2016માં એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે 90 રનની અણનમ ઈનિંગ રમી હતી. ત્યાર બાદ વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં તે બાંગ્લાદેશ સામે 64 રન બનાવીને અણનમ રહ્યો હતો.