ભારતીય ટીમને ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બનાવનાર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હાલમાં જ પત્ની અનુષ્કા શર્મા સાથે લંડનના ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને કીર્તનમાં સામેલ થયો હતો.
ભારતીય ટીમ સાથે ટી-20 વર્લ્ડ કપ 2024ના ટાઇટલની ઉજવણી કર્યા પછી વિરાટ કોહલી લંડન જવા રવાના થયો હતો અને તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે ઈસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરી રહ્યો છે.
આ પછી સેલિબ્રિટી કપલે કીર્તનમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં 76 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા બાદ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
વિરાટ કોહલીએ ઘણા પ્રસંગોએ પરિવારને પોતાની પ્રાથમિકતા બતાવી ચૂક્યો છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બન્યા બાદ કોહલી પોતાના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. કોહલીએ ભારતીય ટીમની ટાઇટલની ઉજવણીમાં ભાગ લીધો હતો અને બાદમાં તે પોતાના પરિવારને મળવા માટે લંડન જવા રવાના થયો હતો
હવે કોહલીનું ધ્યાન વન-ડે અને ટેસ્ટ ફોર્મેટ પર રહેશે.
વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેનું સંપૂર્ણ ધ્યાન વન-ડે અને ટેસ્ટ ફોર્મેટ પર રહેશે. કોહલીની નજર આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને વિજયી બનાવવા પર રહેશે. આ સિવાય તે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતવાનો પણ પ્રયાસ કરશે.